પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો | palanpur government diploma college salary scandal professors paid 5 crore

Palanpur Government Diploma College: ટેકનિકલ શિક્ષણમાં અંધેર વહિવટનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પાલનપુરની સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજ-પોલીટેકનિકમાં 2020થી આઈસી બ્રાંચ જ બંધ કરી દેવાઈ છે એટલે કે કોર્સ જ બંધ છે છતાં આ કોર્સ-બ્રાંચના અધ્યાપકોને તે કોલેજમાં ચાલુ રાખવામાં આવ્યા છે અને સાડા પાંચ વર્ષમાં પાંચ કરોડથી વધુનો પગાર પણ ચુકવાયો છે. એટલુ જ નહીં કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ સરકારને બદલી માટે કે અન્ય જગ્યાએ ડેપ્યુટેશન માટે લેખિતમાં અનેકવાર રજૂઆત કરી છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય જ લેવાતો નથી.
શૂન્ય કાર્યભાર છતાં પગાર
પાલનપુરમાં આવેલી સરકારી ડિપ્લોમા કોલેજ(પોલીટેકનિક) અધ્યાપકોની રજૂઆત બાદ આચાર્ય દ્વારા સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગને થોડા મહિના પહેલા લેખિતમાં રજૂઆત કરવામા આવી હતી કે સરકારી પોલેટિકેનિકમાં આઈસી(ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ) બ્રાંચમાં શૈક્ષણિક વર્ષ 2020-21થી પ્રવેશ બંધ કરાયો છે એટલે કે આ કોર્સ બંધ કરવામા આવ્યો છે. આઈસી બ્રાંચમાં પ્રવેશ બંધ થયા બાદથી વિદ્યાર્થીઓના અભાવે આઈસી વિભાગનો શૈક્ષણિક કાર્યભાર શૂન્ય થઈ ગયો છે.
એક્સપર્ટાઈઝ હોવા છતાં ટેકનિકલ વિષયો ભણાવવાથી વંચિત
આઈસી બ્રાંચમાં છ વ્યાખ્યાતાઓ ફરજ બજાવી રહ્યા છે. આ વ્યાખ્યાતાઓને આઈટી વિદ્યાશાખાનો તદ્દન નહીવત અને ઓડિટ કે સાયન્સ જેવા નોન ટેકનિકલ વિષયોનો શૈક્ષણિક કાર્યભાર કામચલાઉ રીતે ફાળવવામા આવ્યો છે. આઈસીના અધ્યાપકો જેમાં તેમની એક્સપર્ટાઈઝ કે અનુભવ છે તેવા ટેકનિકલ વિષયો ભણાવી શકતા નથી. જે કોલેજમાં આઈસી બ્રાંચ ચાલુ છે અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે ત્યાં આ અધ્યાપકોના જ્ઞાનો લાભ મળી શકે તેમ છે. જેથી આ અધ્યાપકોને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવામા આવે.
મહિને 2.17 લાખ સુધીનો પગાર, છતાં સાડા પાંચ વર્ષથી કામગીરી શૂન્ય!
અધ્યાપકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ આઈસી બ્રાંચના છ અધ્યાપકોનો માસિક પગાર 1.16 લાખથી 2.17 લાખ રૂપિયા છે. વર્ષે 1.05 કરોડથી વધુનો પગાર ચુકવાય છે. જુન 2020થી આઈસી કોર્સ બંધ છે ત્યારે સાડાપાંચ વર્ષથી આ અધ્યાપકોનો કરોડો રૂપિયા પગાર ચુકવાયો છે. અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડથી વધુનો પગાર ચુકવાઈ ગયો છે. જ્યારે અધ્યાપકોનો શૈક્ષણિક કાર્યભાર જ ન હોઈ તેઓને અન્ય જગ્યાએ બદલી થવી જોઈએ પરંતુ કરવામા આવતી નથી. અધ્યાપકો અને આચાર્યની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી આ અધ્યાપકોની અન્ય કોલેજમાં બદલી કરાઈ નથી.
રોબોટિક્સના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
બે કોલેજમાં રોબોટિક કોર્સમાં જરૂર છે છતાં અધ્યાપકો ફાળવવામાં આવતા નથી. અધ્યાપકોની લેખિત રજૂઆત મુજબ સરકારી પોલિટેકનિક-અમદાવાદ અને સુરતની પોલીટેકનિક ખાતે ત્રણ વર્ષથી આઈસી બ્રાંચ સંલગ્ન ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષોથી વ્યાખ્યાતાઓની નિમણૂક થઈ નથી. આ કોલેજો ખાતે પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં આસી. અધ્યાપકોની જરૂર છે. ખાસ કરીને અમદાવાદની સરકારી પોલિટેકનિક ખાતે વર્ષોથી વધારે વ્યાખ્યાતાઓની જરૂર છે અને કાર્યભાર વધુ હોવા છતાં ત્યાંથી અધ્યાપકોને અન્ય વહિવટી કામગીરીમાં મુકવામાં આવે છે.
આ પણ વાંચો: ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ઉલાળિયો, સાંસદ-ધારાસભ્યોને પ્રદેશ માળખામાં સ્થાન
સરકારી ઈજનેરી શિક્ષણ રામભરોસે
માત્ર આ એક જ કોલેજ નહીં. સરકારે 2022માં સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં બ્રાંચ-બેઠકોનું રિસ્ટ્રકચરિંગ કર્યા બાદ ઘણી સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજોમાં પુરતા અધ્યાપકો નથી. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ રહી છે પરંતુ સરકાર દ્વારા અધ્યાપકોની બદલી કે નવી ભરતી માટે કોઈ પ્રક્રિયા કરાતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.
જરૂર છે ત્યાંથી અધ્યાપકોને ડેપ્યુટેશન પર મુકી દેવાય છે
અધ્યાપકોની ફરિયાદ છે કે આઈટી, કમ્પ્યુટર, કેમિકલ બ્રાંચોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ વધુ થાય છે અને આ બ્રાંચોમાં અધ્યાપકોની જરૂર છે તેમ છતાં આ બ્રાંચના અધ્યાપકોને ડેપ્યુટેશન પર અન્ય વહિવટી કામગીરીમાં મુકવામાં આવે છે. જ્યારે જે બ્રાંચમાં વિદ્યાર્થીઓ નથી તેવા અધ્યાપકોને ડેપ્યુટેશન પર મુકવામા આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને સરકાર દ્વારા શૈક્ષણિક કાર્યભાર વિના ચુકવાતા પગારનું પણ નુકસાન ન થઈ શકે.



