જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede as two shacks accidentally caught fire in Lalwadi area of Jamnagar

![]()
Jamnagar Fire : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં હાપા માર્કેટિંગ રોડ પર જ્ઞાનગંગા સ્કૂલની પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે અચાનક બે ઝુંપડાઓમાં આગ લાગી હતી, જેને લઈ રહેવાસીઓમાં દોડધામ થઈ હતી. દરમ્યાન ફાયર શાખાને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી. સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય ઝુંપડાઓ બચી ગયા હતા, જ્યારે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી.
ઉપરોક્ત વિસ્તારમાં આવેલા બે ઝુપડામાં આજે સવારે 11.00 વાગ્યાના અરસામાં રસોઈ બનાવવાના કારણે અકસ્માતે ભડકો થયા બાદ આગ લાગી હતી, અને એક બાદ એક બે ઝુંપડા સળગી ઊઠ્યા હતા.
જેના લબકારા દૂર સુધી દેખાતાં નજીકમાં જ કન્સ્ટ્રકશનનું કામ કરતા નીતિનભાઈ સોલંકી નામના વ્યક્તિએ તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે તે પહેલા પરપ્રાંતિય પરિવારના બે ઝુંપડા બળીને ખાખ થયા હતા, અને તેઓની માલસામગ્રી સળગી ગઈ હતી. જો કે બાકીના અન્ય 12 જેટલા ઝુંપડાઓ બચી ગયા હતા. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.



