સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from seven villages will now start a hunger strike at the Satyagraha camp

![]()
ગાંધીનગર માટે જમીન આપનારની વર્ષોથી માંગણીઓ પડતર
અસરગ્રસ્ત ખેડૂતોએ થોડા સમય પહેલાં સચિવાલય સામે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું પણ કોઈ નિરાકરણ નહીં વહીવટી તંત્ર પાસે ૧૧ દિવસના આંદોલન માટે મંજૂરી માગી
ગાંધીનગર : ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર સાત ગામના
વર્ષો જૂના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી ત્યારે હવે ન્યાય માટે આ ખેડૂત પરિવારો
દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર ૧૧ દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં
આવી છે અને આ માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. થોડા સમય અગાઉ
સચિવાલય સામે આક્રોશ રેલી કાઢી હતી પરંતુ નિર્ણય લેવાયો ન હતો.
ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ,બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા બોરીજ, આદીવાડા, ફતેપુરા જેવા
ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે શહેર માટે પોતાની મહામૂલી જમીન આપી
દેનાર આ ગ્રામજનોની હાલત હાલ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની વિવિધ પડતર
માગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી ત્યારે થોડાં સમય અગાઉ તેમની
માગણીઓને લઈ વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ગાંધીનગરમાં આવી ગયા હતા
અને સચિવાલય, કલેકટર
કચેરી, મહાનગરપાલિકા
સહિત અન્ય કચેરીઓમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સરકારના પેટનું પાણી
હાલતું નથી અને આ ખેડૂતો સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી. અગાઉ
મુખ્યમંત્રીની હાજરીમાં બોલાવેલી બેઠકમાં પણ ગામના પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા
તાકીદ કરવામાં આવી હતી પરંતુ તે અંગે પણ નિર્ણય લેવાતાં નથી ત્યારે નાછૂટકે હવે આ
અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ૧૧ દિવસના
ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી
તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી સત્યાગ્રહ
છાવણી ઉપર પાંચ પાંચ ગ્રામજનો દ્વારા ઉપવાસ ઉપર બેસવામાં આવશે. અસરગ્રસ્ત વસાહત
મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે,
આ ગ્રામજનો જ્યાં વર્ષોથી રહે છે,
તે જગ્યાને કાયમ માટે રહેવાસી પ્લોટ તરીકેની માન્યતા આપવામાં આવે. આ ગામોને
કાયદેસર રીતે ગામતળનો દરજ્જો આપી તેના વહીવટી અને વિકાસના પ્રશ્નોનું કાયમી
નિરાકરણ લાવવામાં આવે. સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તની જેમ જમીન અને પ્લોટ આપવા.
અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવવામાં આવેલી ચીપ ટાઈપની દુકાનો ભાડા પદ્ધતિથી નહીં પરંતુ
માલિકી હકથી આપવામાં આવે. ગાંધીનગર શહેરના સમકક્ષ સુવિધાઓ આપવા માટે અનેકવાર
રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની માંગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો
નથી.



