નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son cheated a woman from Pipalg by promising to make jewelry for free in Nadiad

![]()
– જુના દાગીના પરત ન આપી ધમકી આપી, પોલીસે ગુનો તપાસ હાથ ધરી
– જૂનું સોનુ શો-રૂમમાં જમા કરાવશો તો 3-4 મહિના પછી વગર ઘડામણે નવી ડિઝાઈનના દાગીના, દર મહિને વળતરની સ્કીમ આપી
નડિયાદ : નડિયાદના સંત રામેશ્વર મહાદેવ સામે આવેલી જ્વેલર્સની દુકાનના માલિકે પીપલગની મહિલાને જુના સોનાના દાગીના જમા કરાવ્યા બાદ નવા સોનાના દાગીના ઘડામણ લીધા વગર બનાવી આપવાની લાલચ આપી હતી. બાદમાં જુના સોનાના દાગીનાને બદલે નવા દાગીના બનાવી આપવાનું કહી નવા દાગીના બનાવી ન આપી કે જુના દાગીના પરત ન આપી હવે પછી દાગીના પરત લેવા આવશો તો ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી અને મહિલા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગમાં રહેતા સ્વાતીબેન ઉર્ફે ઝમકુબેન દીક્ષીતભાઈ અમીન (રહે. નરેશદાસની ખડકી, પીપલગ, તા.નડિઆદ )ના ઘરની સામે રહેતા મીનેશભાઇ હસમુખલાલ સોનીની નડિયાદના સંતરામેશ્વર મહાદેવ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ‘મહાકાલી જ્વેલર્સ’ની દુકાન આવેલ છે. સ્વાતીબેન તેમના કાયમી કસ્ટમર હોવાથી ગત તા. ૦૧-૦૮-૨૦૨૩ના રોજ જુની સોનાની ચેઈનના બદલામાં સોનાનો નવો સેટ કરાવવાનો હોવાથી જુની સોનાની ચેઈન ૨૨.૯૫૦ મીલી. ગ્રામ વજનની (કિંમત રૂ. ૧,૦૭,૦૦૦) લઇ તેમની દુકાને ગયા હતા અને જુની સોનાની ચેઈન બતાવી જેના બદલામાં નવો સોનાનો સેટ બનાવવાની વાત કરી હતી. ત્યારે મીનેશભાઈ હસમુખલાલ સોની અને તેમના પુત્ર મિશાલ સોનીએ સ્વાતિબેનને સ્કીમ બતાવી હતી કે, જો તેઓ પોતાનું જૂનું સોનું શો-રૂમમાં જમા કરાવશે, તો ત્રણ-ચાર માસ પછી તેમને વગર ઘડામણે નવી ડિઝાઈનના દાગીના બનાવી આપવામાં આવશે અને સાથે દર મહિને વળતર પણ ચૂકવવામાં આવશે.
જેથી સ્વાતિબેન જ્વેલર્સની લોભામણી વાતોમાં આવી તા. ૦૫-૦૮-૨૦૨૩ ના રોજ જુની સોનાની ચેઈન વજન ૨૨.૯૫૦ ગ્રામની ૨૨ કેરેટની મીનેશભાઈની દુકાનમાં જમા પેટે સોપેલા અને તેના બદલામાં તેઓએ પાકુ બીલ આપ્યું હતું. તે બીલ પ્રમાણે ઓગષ્ટથી ડિસેમ્બર માસના અંતમાં સોનુ પાછુ લેવા આવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મીનેશ તથા મીશાલ તેઓને રેગ્યુલર વળતર આપતા હતા. જેથી ગત તા.૧૫-૦૪-૨૦૨૩ના રોજ ૭,૫૦ મીલી. ગ્રામની સફેદ કલરના મણકાની સોનાની ચુડી(બંગડી) કિ.રૂ.૪૭,૦૦૦ની જમા કરાવી હતી, જેનું તેઓએ બીલ આપેલ જે બીલમાં બધી વિગતો વિસ્તારપુર્વક લખી હતી.
સ્વાતિબેન પોતાના નવા બનાવેલા સોનાના દાગીના તા. ૧૮-૦૧-૨૦૨૪ના રોજ લેવા જતા શખ્સોેએે જણાવ્યું હતું કે, હાલમાં ધંધામાં થોડી ખોટ ચાલે છે, અને હાલમાં ધંધામાં ખેંચતાણ છે અને તમો થોડા દિવાસો રોકાઈ જાવ સ્વાતીબેને તેમને સમય આપ્યો હતો. તા.૨૭-૪-૨૦૨૪ના રોજ તેઓ જમા કરાવેલા સોનાના બીલો લઈને આપેલું સોનું પાછું માગવા જતા તેઓ અવાર-નવાર ખોટા ખોટા વાયદા કરતા હતા અને ખોટા ચેકો લખી આપતા હતા. જે બેંકમાં રજૂ કરતા ત્રણ વખત ચેક પરત થયા હતા. ત્યાર બાદ તા.૧-૦૩-૨૦૨૫ના રોજ બંનેને ફોન કરતા ફોન ઉપાડયો ન હતો. તેઓનો શો-રૂમ બંધ હોવાથી મહિલા તેઓના ઘરે જતા આ બંનેએ રૂપિયા અથવા સોનંુ પાછા આપવાની જગ્યાએ જો ફરી વખત સોનુ કે રૂપિયા લેવા આવશો તો હાથ-ટાટીયા ભાંગી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આમ મિનેશ સોની અને મિશાલ સોનીએ જુના સોનાના બદલે નવા સોનાના દાગીના ઘડામણ લીધા વગર બનાવી આપવાનું કહી આપેલા દાગીના પરત ન આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સ્વાતિબેન ઉર્ફે ઝમકુબેન દીક્ષિતભાઇ અમીનએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિનેશ હસમુખભાઈ સોની અને મીશાલ મિનેષભાઈ સોની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



