गुजरात

નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer who went to catch stray cattle in Nadiad



– શખ્સ અપશબ્દો બોલી બળજબરીથી ગાયો છોડાવી ગયો

– ‘કોર્પોરેશનમાં જેની પાસે ફરિયાદ કરવી હોય તેની પાસે કરી લેજો, મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં’ કહી ચેલેન્જ આપી

નડિયાદ : નડિયાદ શહેરમાં જાહેર માર્ગો પરથી રખડતા પશુઓ પકડવા ગયેલી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર હુમલો કરી પશુપાલકે બળજબરીપૂર્વક ગાયો છોડાવી લેતા ચકચાર મચી ગઈ છે. લખા ભરવાડ નામના શખ્સે મનપાના કર્મચારીઓને અપશબ્દો બોલી ધમકી આપી હતી અને તંત્રને ફરિયાદ કરવાની ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી. આ મામલે હવે ફાયર બ્રિગેડ તેમજ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કમિશનરની સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે ઢોર પકડ પાર્ટી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન જ્યારે ટીમ રખડતા પશુઓને પકડી રહી હતી ત્યારે લખા ભરવાડ નામનો પશુપાલક ત્યાં ધસી આવ્યો હતો. આ શખ્સે ઢોર પાર્ટીના કબજામાં રહેલી ૩ ગાયોને બળજબરીપૂર્વક છોડાવી લીધી હતી. આ સમયે હાજર કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે ઉગ્ર બનીને હુમલો કરવાની કોશિશ કરી હતી અને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી હતી. પશુપાલકની દાદાગીરી સામે ઢોર પકડ પાર્ટીના જવાનો લાચાર જોવા મળ્યા હતા.

લખા ભરવાડે કર્મચારીઓને ધમકાવતા કહ્યું હતું કે, ‘કોર્પોરેશનમાં જેની પાસે ફરિયાદ કરવી હોય તેની પાસે કરી લેજો, મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં’. ગાયો છોડાવી ગયા બાદ ઢોર પકડ પાર્ટીના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ અંગે ફાયર બ્રિગેડ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે. પશુપાલકોના આ પ્રકારના વર્તનને કારણે આગામી સમયમાં પશુ પકડવાની કામગીરી વધુ મુશ્કેલ બનવાની શક્યતા છે.



Source link

Related Articles

Back to top button