વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pretext of loan with a middle aged man from Virasad

![]()
– શખ્સે પોતે બજાજ ફાઈનાન્સમાંથી હોવાની ખોટી ઓળખ આપી
– ફરિયાદીએ રૂપિયા 3 લાખની લોનની જરૂર હોવાનું જણાવતા શખ્સે લાલચનો ફાયદો ઉઠાવ્યો, વીરસદ પોલીસે ગુનો નોંધ્યો
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વીરસદ ગામના એક ૫૯ વર્ષીય વ્યક્તિ સાથે બજાજ ફાઈનાન્સના નામે લોન આપવાના બહાને અંદાજે રૂ. ૧૨,૪૬,૮૮૬ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ છેતરપિંડી આશરે એક વર્ષ સુધી ચાલી હતી, જેમાં ગઠિયાઓએ અલગ-અલગ બહાને ક્યુઆર કોડ મોકલી નાણાં પડાવ્યા હતા.
બોરસદ તાલુકાના વીરસદની બ્રહ્મપોળ ખાતે રહેતા અશ્વીનકુમાર ગોરધનભાઈ પટેલ (ઉં.વ.૫૯)એ વીરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, જૂન ૨૦૨૩ તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર હિન્દી ભાષી શખ્સે પોતે બજાજ ફાઈનાન્સમાંથી બોલે છે અને લોનની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી અશ્વીન ભાઈએ રૂપિયા ૩ લાખની લોન હોવાનું જણાવ્યું હતું.
જે બાદ શખ્સે જણાવ્યું હતું કે, તમારે ફોર્મ ભરવું પડશે જેના ૫,૫૦૦ આપવા પડશે. જે અશ્વીનકુમારે વોટ્સએપ પર મોકલેલા ક્યુઆર કોડ દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ જૂન ૨૦૨૩થી મે ૨૦૨૪ દરમિયાન, આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ અનેક ક્યુઆર કોડ મોકલી નાણાંની માંગણી ચાલુ રાખી હતી. અશ્વીનકુમારે મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈને આરોપીને ટ્રાન્સફર કર્યા હતા. આરોપી ફરિયાદીને એવો વિશ્વાસ આપતો હતો કે, આ તમામ ભરેલા નાણાં લોન પાસ થયા બાદ પરત મળી જશે અને કુલ રૂપિયા ૧૨,૪૬,૮૮૬ પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીને લોન ન મળી અને વધુ નાણાંની માંગણી કરવામાં આવી, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ બાબતે તેમણે સાયબર હેલ્પલાઇન પર પણ સંપર્ક કર્યો હતો. અંતે અશ્વીનકુમારે ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વીરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


