વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying to sell liquor in Vadodara

![]()
વડોદરા,મધ્યપ્રદેશના અલીરાજપુરથી વિદેશી દારૃનો જથ્થો ખરીદીને વડોદરામાં ડિલિવરી માટે આવેલી બે મહિલા સહિત ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડી ૭૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,કીર્તિસ્થંભ બસ સ્ટેશન પાસે બે મહિલા તથા એક વ્યક્તિ વજનદાર થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભા છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (૧) કેતન ગુમાનભાઇ રાઠવા (રહે. જામલા રોડ, છોટાઉદેપુર) (૨) બકીબેન અર્જુનભાઇ રાઠવા (રહે.દિવાન બંગલા ફળિયું, છોટાઉદેપુર) તથા (૩) શંકરીબેન ગુજલાભાઇ તોમાર(રહે. ગામ સહજી, તા.ચાંદપુર,જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૃની ૪૨૮ બોટલ કિંમત રૃપિયા ૬૫,૪૫૮ કબજે કરી છે. પોલીસની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો દાંડિયાબજારમાં રહેતી પુજા નામની મહિલાને આપવાનો હતો. જેથી, પોલીસે પુજાને વોન્ટેડ જાહેર કરી છે.



