રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after dog comes in the middle of the road

![]()
વડોદરા,શહેર નજીક સુંદરપુરા ગામના પાટિયા પાસેથી જતા બાઇક સવાર દંપતીના રસ્તામાં કૂતરૃં આવી જતા તેઓ રોડ પર ફંગોળાઈને પટકાયા હતા. પાછળથી પૂરઝડપે આવતા એક વાહનના પૈંડા દંપતી પૈકી પત્ની પર ફરી વળતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે કપુરાઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભરૃચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ધનલક્ષ્મીગૃહ સંકુલમાં રહેતા યજ્ઞોશભાઇ નટવરભાઇ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો દીકરો કેનન તેની પત્ની સાથે વડોદરામાં લક્ષ્મીપુરા રોડ પર શિવાલય રેસિડેન્સીમાં રહે છે અને ટેટૂનો સ્ટુડિયો ચલાવે છે. છેલ્લા બે મહિનાથી યજ્ઞોશભાઇ અને તેમના પત્ની જયશ્રીબેન પુત્રના ઘરે રહે છે. આજે સવારે યજ્ઞોશભાઇને કામ અર્થે અંકલેશ્વર જવાનુું હોઇ સવારે સાડા નવ વાગ્યે પુત્રની બાઇક લઇને પતિ પત્ની ઘરેથી નીકળ્યા હતા.પોણા દશ વાગ્યે તેઓ સુંદરપુરા ગામના પાટિયા નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા દંપતી રોડ પર પટકાયું હતું. પતિને ઘુંટણ અને હાથ પર સામાન્ય ઇજા થઇ હતી. તેઓ ઊભા થઇને બાઇક હટાવતા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા વાહનના પૈંડા રોડ પર પટકાયેલા જયશ્રીબેન પર ફરી વળતા તેઓને ગંભીર ઇજા થતા મોત થયું હતું.
દાંડિયાબજારમાં કૂતરૃં આવી જતા બાઇકસવાર પટકાયો
વડોદરા,
વાઘોડિયારોડ સુમનદીપ કોમ્પલેક્સમાં રહેતા પ્રગલભ લોકેશભાઇ કોડીયા ( ઉં.વ.૨૦) દાંડિયાબજાર લકડીપુલ પાસેથી બાઇક લઇને જતો હતો. તે દરમિયાન કૂતરૃં વચ્ચે આવી જતા તેની બાઇક સ્લિપ થઇ જતા રોડ પર પટકાયો હતો. બાઇકસવારને ડાબા હાથ અને માથા પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



