‘મદારી ગેંગ’નો પર્દાફાશ, તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી ટોળકીના 2 સાગરીતોને LCBએ દબોચ્યા | Police arrest 2 accused who stole on pretext of Tantric rituals in Devbhoomi Dwarka

![]()
Devbhumi Dwarka News : ગુજરાતમાં તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે દેવભૂમિ દ્વારકા LCBની ટીમે તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી ‘મદારી ગેંગ’નો પર્દાફાશ કર્યો છે. LCBએ આ ટોળકીના 2 સાગરીતને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાંત્રિક વિધિના નામે સોનાના દાગીના પડાવ્યા
મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકામાં ભોળા નાગરિકો સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી ગેંગને LCBએ ઝડપી પાડી છે. આરોપીએ રાજકોટના રહેવીસ નિર્મલ ઝરુ નામના વ્યક્તિને ઘરની તમામ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવા જણાવ્યું હતું.
એમાં પણ આરોપીઓએ જણાવ્યું કે, જો સોનાના દાગીના પર વિશેષ વિધિ કરવામાં આવશે તો જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આવશે. જેમાં પીડિત આરોપીની વાતમાં આવી ગયા હતા.
તાંત્રિક વિધિ કરવા માટે આરોપીએ નિર્મલને દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામ પાસે બોલાવ્યો હતો. આ પછી ભોગ બનનાર વ્યક્તિ પાસે આરોપીએ સોનાના દાગીના મંગાવ્યા હતા. જોકે, વિધિ દરમિયાન આરોપી નજર ચૂકવીને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાને અંતે ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીની ધરપકડ કરી છે.



