गुजरात

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Handod Dabhoi road poor condition in Chhota Udepur



Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કેવી રીતે કરવામાં આવે છે તેનું વરવું ઉદાહરણ સંખેડા તાલુકાના હાંદોદ ચોકડી પાસે જોવા મળ્યું છે. હાંદોદ ચોકડીથી ડભોઇ તરફ જતા રસ્તા પર ખાડા પૂરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વેઠ ઉતારવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

નિયમોને નેવે મૂકીને ‘ડામરનું થીગડું’

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ આર એન્ડ બી) ના નિયમો મુજબ, જ્યારે પણ ડામર રોડ પર ખાડા પૂરવામાં આવે ત્યારે તે જગ્યાને વ્યવસ્થિત સાફ કરી, ધૂળ દૂર કર્યા બાદ જ કામગીરી કરવાની હોય છે. જોકે, હાંદોદ ચોકડી પાસે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. અહીં રસ્તા પરની માટી સાફ કર્યા વગર જ સીધો ડામર પાથરી દેવામાં આવી રહ્યો છે.

અધિકારીઓ ગુલ્લીબાજ, કોન્ટ્રાક્ટરની મનમાની

નિયમ મુજબ, આ પ્રકારની સરકારી કામગીરી સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓની હાજરીમાં જ થવી જોઈએ. પરંતુ અહીં અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના માણસો મન ફાવે તેમ કામ કરી રહ્યા છે. જ્યારે સાઇટ પર હાજર ઈજનેરને આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે “અધિકારી હમણાં જ બીજી સાઇટ પર ગયા છે” તેવો લૂલો બચાવ કર્યો હતો. ઈજનેરે દાવો કર્યો હતો કે કામ યોગ્ય રીતે થાય છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી હતી.

આ પણ વાંચો: VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન

‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવી હાલત

સ્થાનિકોમાં આ કામગીરીને લઈને ભારે રોષ છે. રસ્તાની ગુણવત્તા એટલી ખરાબ છે કે ગામલોકોમાં ચર્ચા છે કે, “પોદળો પડે તો માટી લઈને જ ઉખડે” તેવી આ રોડની હાલત છે. જો સામાન્ય દિવસોમાં આ સ્થિતિ હોય, તો ચોમાસાના પહેલા ઝાપટામાં જ આ રોડ ધોવાઈ જશે તેની પૂરેપૂરી શક્યતા છે.

કરોડોના ‘બિલ’ અને ભ્રષ્ટાચારની ગંધ

છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે ખાડા પૂરવાના નામે 3 થી 4 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. આક્ષેપ છે કે:

એક જ રસ્તા પર વર્ષમાં 3 થી 4 વાર ખાડા પૂરવાના બિલો મૂકવામાં આવે છે.

નબળી કામગીરીને કારણે રોડ થોડા જ દિવસોમાં ફરી તૂટી જાય છે.

રસ્તો તૂટતા ફરીથી કોન્ટ્રાક્ટરને જ નવો કોન્ટ્રાક્ટ મળે છે, એટલે કે ‘ખાતર પર દિવેલ’ જેવો ઘાટ સર્જાય છે.

આ પણ વાંચો: VIDEO: છોટાઉદેપુરમાં લોહીના સંબંધો લજવાયા, કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની જમીન વિવાદમાં હત્યા

જો આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખાડા પૂરવાના બહાને ચાલતું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. પ્રજાના પરસેવાની કમાણી આ રીતે કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સામાં જતી અટકાવવી અનિવાર્ય છે.



Source link

Related Articles

Back to top button