અમિતાભ બચ્ચને એવોર્ડ ન ખરીદયો એટલે અનિલ કપૂરને મળ્યો…’, જાણીતા પ્રોડ્યુસરનો સનસનાટીભર્યો દાવો | anil kapoor bought award which amitabh bachchan refused claims manoj desai

![]()
Amitabh Bachchan Refused To Buy Best Actor Award: બોલિવૂડમાં છેલ્લા ઘણા વર્ષોથી એવોર્ડ સેરેમનીની પરંપરા ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ એક્ટરને ‘બેસ્ટ એક્ટર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેની ઈન્ડસ્ટ્રીમાં વેલ્યૂ ખૂબ વધી જાય છે. આના ચક્કરમાં ઘણા લોકો એવોર્ડ ખરીદવા પણ લાગ્યા છે. આ વાતનો ખુલાસો ઘણા એક્ટર અને સ્ટાર્સ કરી ચૂક્યા છે.
અમિતાભ બચ્ચને એવોર્ડ ન ખરીદયો એટલે અનિલ કપૂરને મળ્યો
હવે તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર અને મુંબઈના ફેમસ થિયેટર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ ઈન્ડસ્ટ્રી સાથે સબંધિત કેટલાક સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે, આ વખતે અમિતાભ બચ્ચનને એવોર્ડ ખરીદવાની ઓફર મળી હતી, જેનો અભિનેતાએ ઈનકાર કરી દીધો અને એવોર્ડ ન ખરીદ્યો. પરંતુ પછી તે એવોર્ડ અનિલ કપૂરને મળ્યો. પ્રોડ્યૂસરનો દાવો છે કે અનિલ કપૂરે તે એવોર્ડ ખરીદ્યો હતો.
એક યુટ્યુબ ચેનલ પર મનોજ દેસાઈએ કહ્યું કે, ‘એકવાર હું અને અમિતાભ બચ્ચન સાથે બેઠા હતા. તે સમયે એક એવોર્ડ ફંક્શન ચાલી રહ્યો હતો. ત્યારે રઉફ અહેમદ જે તે સમયે ફિલ્મ રાઈટર હતા, મારી પાસે આવ્યા અને કહ્યું કે, ‘જો હું અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપું તો શું તમે આખી પાર્ટીનો ખર્ચ ઉઠાવશો?’ હું અમિતાભ બચ્ચન પાસે ગયો અને તેમને આ જ વાત કહી. તો તેમણે કહ્યું કે, ‘અમિતાભ બચ્ચન એવોર્ડ નથી ખરીદતો.’
અનિલ કપૂરે ફિલ્મફેર પાર્ટીનો તમામ ખર્ચ ઉઠાવવાનો વાયદો કર્યો હતો
મનોજ દેસાઈએ આગળ જણાવ્યું કે, ‘અમિતાભ બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અનાઉન્સ થાય તે પહેલા જ વિજેતાનું નામ જણાવી દીધું હતું. અમિતાભ બચ્ચને કહ્યું કે, મને ખબર છે કે આ એવોર્ડ કોને મળશે. આ એવોર્ડ અનિલ કપૂરને મળશે. કારણ કે અનિલે પહેલાથી જ પોતાના ઘરની છત પર એક મોટી પાર્ટીનું આયોજન કરી રાખ્યું છે. તે વર્ષે અનિલ કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. મને લાગે છે કે તે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે મળ્યો હતો. અનિલ કપૂરે ફિલ્મફેર પાર્ટીનો તમામ ખર્ચ ઉઠાવવાનો વાયદો કર્યો હતો તેથી તેને એવોર્ડ મળી ગયો.’
મનોજ દેસાઈનો દાવો ખોટો
તમને જણાવી દઈએ કે, અનિલ કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ 1987માં આવી હતી, જે સુપરહિટ રહી હતી. જોકે, તેને આ ફિલ્મ માટે કોઈ એવોર્ડ નહોતો મળ્યો. વાસ્તવમાં અનિલ કપૂરને પોતાની 1988માં આવેલી ફિલ્મ ‘તેજાબ’ માટે 1989માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તે વર્ષે તેની સામે અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ ‘શહેનશાહ’ માટે બેસ્ટ એક્ટર નોમિનેટ થયા હતા. તેથી, મનોજ દેસાઈનો અનિલ કપૂર માટે’મિસ્ટર ઈન્ડિયા’ માટે એવોર્ડ જીતવાનો દાવો ખોટો સાબિત થયો છે.



