દીકરાની ચાહતમાં જનેતાએ જ 6 વર્ષની બાળકીની કરી હત્યા, દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી | Mother ends 6 Year Old Daughter life in Obsession for Son Police Reveal Shocking Motive

![]()
Maharastra News: મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાની છ વર્ષની માસૂમ દીકરીની કથિત રીતે હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં જે કારણો સામે આવ્યા છે, તે સમાજની માનસિકતા અને સંતાન ઉછેરના દબાણ પર ગંભીર સવાલો ઉભા કરે છે. પ્રાથમિક તપાસ મુજબ, મહિલા દીકરાની ઘેલછા અને દીકરી મરાઠી ભાષા ન બોલી શકતી હોવાથી તેનાથી નારાજ હતી.
બીમારીનું નાટક રચીને હોસ્પિટલ પહોંચી
આ ઘટના કલંબોલી વિસ્તારની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય આરોપી મહિલા 23 ડિસેમ્બરે પોતાની દીકરીને હોસ્પિટલ લઈ ગઈ હતી અને ડૉક્ટરોને જણાવ્યું કે તબિયત ખરાબ હોવાને કારણે બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી. જોકે, ડૉક્ટરોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી અને શંકાસ્પદ સ્થિતિને જોતા પોલીસને જાણ કરી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખુલ્યું હત્યાનું રહસ્ય
શરૂઆતમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ત્યારે સમગ્ર હકીકત સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટમાં ખુલાસો થયો કે, બાળકીનું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને માતાની કડક પૂછપરછ શરૂ કરી.
હત્યા પાછળના વિચિત્ર કારણો
પોલીસ પૂછપરછ દરમિયાન, મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાએ હત્યા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તે દીકરો ઈચ્છતી હતી અને દીકરી હોવાને કારણે તે નાખુશ અને અસંતુષ્ટ હતી. આરોપી મહિલા એ વાતથી પણ ખૂબ જ પરેશાન હતી કે તેની દીકરી મરાઠી બોલતી ન હતી અને ફક્ત હિન્દીમાં જ વાત કરતી હતી. તેને લાગતું હતું કે બાળકીનો ભાષાકીય વિકાસ યોગ્ય રીતે નથી થઈ રહ્યો.
પોલીસના જણાવ્યા મુજબ, મહિલા ડિપ્રેશનની સારવાર લઈ રહી હતી અને નાની-નાની વાતો પર તણાવમાં આવી જતી હતી. આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક કોર્ટે તેને 30 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ જઘન્ય અપરાધમાં અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ, અથવા આ ઘટના માત્ર મહિલાના માનસિક અસંતુલનનું પરિણામ હતું.


