અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર | Ahmedabad Jewellery Shop Theft in Anandnagar 12 Year Old Steals Ornaments Worth 3 lakh

![]()
Ahmedabad crime: અમદાવાદમાં ફરી એકવાર નજર ચૂકવીને લાખોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી, તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાના દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
જ્વેલરી શોપમાં ચોરી
આ મામલે મકરબામાં રહેતા 30 વર્ષીય ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગત 23 નવેમ્બરના રોજ જ્યારે તેઓ દુકાને હાજર હતા, ત્યારે ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકીએ તેમની નજર ચૂકવી લાખોની કિંમતની સોનાની કાંટીઓ ભરેલી થેલીની ચોરી કરી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, 23 નવેમ્બર 2025ના રોજ બપોરે આશરે 1.45 વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરૂષ એક 12 વર્ષના બાળક સાથે શો-રૂમમાં પ્રવેશ્યા હતા. તેમણે ભાવેશકુમાર પાસે સોનાની કાંટીઓ જોવાની માંગણી કરી હતી. હજુ તેઓ દાગીના જોઈ રહ્યા હતા ત્યાં જ બીજા એક પુરૂષ અને મહિલા શો-રૂમમાં આવ્યા અને તેમણે ચાંદીનું છતર જોવાની વાત કરી ભાવેશકુમારને વાતોમાં પરોવી દીધા હતા. જ્યારે ભાવેશકુમાર બીજા ગ્રાહકોને દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ ગેંગના સભ્યોએ એકબીજાને ઈશારો કર્યો હતો. ઈશારો મળતાની સાથે જ 12 વર્ષના બાળકે તક ઝડપી લીધી અને કાચના કાઉન્ટર પરથી હાથ નાખીને સોનાના દાગીના ભરેલી એક નાની થેલી સેરવી લીધી હતી. આ કામ પતાવ્યા બાદ, ટોળકી કોઈપણ વસ્તુની ખરીદી કર્યા વગર જ દુકાનમાંથી રવાના થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ HIV ગ્રસ્ત મહિલાઓને સર્વાઈકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડૉક્ટરોનો દાવો
3 લાખથી વધુના દાગીના ચોરાયા
ગ્રાહકો ગયા બાદ જ્યારે ભાવેશકુમારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી, ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ 48 નંગ સોનાની કાંટીઓ ગાયબ હતી, જેની કુલ કિંમત 3,13,040 થાય છે. આ પછી દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં ૧૨ વર્ષના બાળક દ્વારા કરવામાં આવેલી આ ચોરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. ભાવેશકુમાર વતન ગયા હોવાથી પરત ફર્યા બાદ તેમણે આનંદનગર પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ આદરી છે.


