ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી | Uttarakhand Order Draws Flak as Professors Given Stray Dog Census Duty

![]()
Uttarakhand News: ઉત્તરાખંડમાં શિક્ષણવિદો માટે સરકારનો એક નવો આદેશ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો છે. રાજ્યની ડિગ્રી કોલેજોના આચાર્યો અને પ્રોફેસરો, જેમનું કામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું છે, તેમને હવે રખડતા શ્વાનની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયને પગલે પ્રોફેસરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેને શિક્ષણ જગતનું અપમાન ગણાવવામાં આવી રહ્યું છે.
શુ છે આ વિવાદાસ્પદ આદેશ?
ઉચ્ચ શિક્ષણના સંયુક્ત નિયામક દ્વારા 23મી ડિસેમ્બરે જાહેર કરાયેલા આદેશ અનુસાર, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોના આચાર્યોને ‘નોડલ અધિકારી’ બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી સ્તરે આ જવાબદારી રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે. તેમણે પોતાની સંસ્થાની આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનની ગણતરી કરવાની રહેશે. શ્વાનના પુનર્વસન માટે શું પગલાં લેવાયા છે તેનો રિપોર્ટ સ્થાનિક વહીવટીતંત્રને સોંપવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ લેવાયો નિર્ણય
સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનને નિયંત્રિત કરવા માટે અપાયેલા નિર્દેશોના પાલન રૂપે ઉત્તરાખંડ સરકાર આ અભિયાન ચલાવી રહી છે. જો કે, વહીવટીતંત્રના અન્ય વિભાગોને બદલે શિક્ષણ વિભાગને આ કામગીરી સોંપાતા વિવાદ વકર્યો છે.
શિક્ષણ જગતમાં વિરોધ
આ નિર્ણય સામે ભારતીય શૈક્ષણિક ફેડરેશન અને અન્ય પ્રોફેસર સંગઠનોએ સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય શૈક્ષણિક ફેડરેશનના વિભાગીય પ્રમુખ નરેન્દ્ર તોમરે કહ્યું કે, ‘શિક્ષકોનું કામ રાષ્ટ્ર નિર્માણનું છે. પ્રોફેસરોને શ્વાન ગણવાની કામગીરી સોંપવી એ ગૌરવનું અપમાન છે. આ નિર્ણયનો રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવશે. પ્રોફેસરોનું કહેવું છે કે જો તેઓ શ્વાન ગણવાનું કામ કરશે, તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોણ ધ્યાન આપશે? સરકાર શિક્ષકોની ગરિમા જાળવવામાં નિષ્ફળ રહી છે.’
બીજી તરફ, ઉચ્ચ શિક્ષણ નિયામક ડૉ. એન.પી. ખાલીએ જણાવ્યું છે કે ‘નિયામક મંડળ દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે અત્યાર સુધી કોઈ પણ આચાર્ય તરફથી આ બાબતે સત્તાવાર ફરિયાદ મળી નથી.’



