વડોદરાના ઇન્દીરાનગર વસાહતમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી
વડોદરા શહેરના હાથીખાના અનાજ બજાર પાસેના ઇન્દીરાનગર વસાહતમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવાનો વખત આવ્યો છે. વડોદરા શહેરમાં વરસાદ વરસે અને વિશ્વામિત્રી નદી બે કાંઠે થાય એટલે કાંઠા વિસ્તાર અસરગ્રસ્ત બનવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થાય છે. ભુતડીજાપા- કારેલીબાગ માર્ગની વચ્ચે આવેલ ઇન્દિરા નગર વસાહત નાળાને અડી ઉભી થઈ છે. જ્યા પ્રતિ વર્ષ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતા આ વસાહત પાસેથી પસાર થતાં નાળાનું લેવલ પણ વધે છે. અને તે પાણી કાંઠા વિસ્તારના ઘરોમાં પ્રવેશે છે. આ પરિસ્થિતિથી સ્થાનિકો વાકેફ છે. પરંતુ અચાનક વધુ વરસાદ વરસતા ઘરવખરી સહિત મોટું નુકસાન પણ થતું હોય છે. આજે આ જ પરિસ્થિતિ ઉદ્ભવી છે. ગઈકાલે રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસતા વહેલી સવારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘટનાના પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.