અમદાવાદમાં બોલ્યા કેજરીવાલ: ચૂંટણીના કારણે સિસોદિયાની અને મારી ધરપકડ થઇ શકે છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. “ચૂંટણીના કારણે સિસોદિયાની ધરપકડ થઇ શકે એમ છે અને સંભવ છે કે મારી પણ થઇ શકે,” એમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. ગુજરાતમાં 27 વર્ષથી સત્તા ઉપર રહેલી ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા આ 27 વર્ષના શાસનના અહંકારનો ભોગ બની રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે દિલ્હીના શિક્ષણ મોડેલની પ્રશંસા કરી છે અને અમે દિલ્હીનું મોડેલ ગુજરાતના વિધાર્થીઓ માટે લાવીશું,” એમ દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં વચન આપ્યું હતું કે ગુજરાતમાં પણ દિલ્હીની જેમ આરોગ્યલક્ષી સેવાઓ સસ્તી કરવા માટે આમ આદમી પાર્ટી કાર્ય કરશે. કેજરીવાલે ગુજરાતના બસ ડ્રાઈવર, કંડકટર અને પેસેન્જરને આપ માટે મત આપવા માટે અપીલ કરી હતી.