રાજકોટ: પિતા-પુત્ર સહિત ચાર લોકોનો જાહેરમાં આતંક, તલવાર અને છરી વડે કર્યો હુમલો, જુઓ લાઈવ CCTV ફૂટેજ
રાજકોટ: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે રાજકોટ શહેરમાં ખાખીનો ખૌફ ઓસરી ગયો હોય તેમ એક બાદ એક અસામાજિક તત્વોના આતંકના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ અકસ્માત જેવી નજીવી બાબતે તલવાર અને છરી વડે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભગવતીપરા મેઈન રોડ, સાવરણીના કારખાનાની સામે આફતાબ ઠેબા નામના યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઈજા પોતાના યુવાનને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા આઈપીસીની કલમ 323, 324, 504, 447, 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી ત્રણ જેટલા શખ્સોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદીએ શું કહ્યું?
બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, “હામિદ ઇકબાલભાઈ ખાટકી સાથે મારું મોટરસાયકલ અથડાયું હતું. જેના કારણે હામિદ લાલભાઈ ખાટકી દ્વારા મને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે મારા મિત્રના કારખાનાની અંદર બેઠો હતો ત્યારે હામિદ ખાટકી, ઇકબાલભાઈ ખાટકી, સાજુ ખાટકી તેમજ આર્યન ખાટકી સહિતનાઓ ઝઘડો કરવાના ઈરાદે મારા મિત્રના કારખાનાની અંદર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઈકબાલ ખાટકીએ પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે મને માથામાં માર માર્યો હતો. મને કહ્યું હતું કે મારા દીકરા સાથે તે અકસ્માત કેમ કર્યો? અન્ય આરોપીઓએ તલવાર તેમજ છરી વડે મારા શરીરના અન્ય ભાગો પર ઘા ઝીકી મને ઈજા પહોંચાડી છે.”