ગ્રીષ્મા હત્યા રીકન્સ્ટ્રકશનમાં આરોપી ફેનિલે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા, જાણો અતથી ઇતિ માહિતી
સુરત: રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગુરુવારના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. હત્યાની ઘટનાની શરૂઆતથી લઈ અંત સુધીની ઘટનાને ફરીથી પુનરાવર્તન કર્યું હતું. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ કામરેજના પાસોદરા પાટીયા પાસે એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરી નાંખી હતી. જેમા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટા મારીને 25થી 30 મિનિટ લાંબો ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે પહેલા ગ્રીષ્માના મોટા બાપા અને ભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતા. જે બાદ પાછળથી ગ્રીષ્માને પકડીને ગળા પર ચપ્પુ મારી દીધું હતું. આ દરમિયાન ગ્રીષ્મા ‘મને છોડી દે, મૂકી દે ની’ બૂમો પાડતી રહી પરંતુ ફેનીલે તેની એક નહીં સાંભળી. ફેનિલ પણ મોટે મોટેથી બોલતો હતો કે, ‘મને મારવા તે કોને મોકલેલા’ તેમ કહીને ચપ્પુથી ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું.
આ કેસમાં આરોપી ફેનિલની કામરેજ પોલીસે અટક કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ તેને સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમના ઉચ્ચ અધિકારીઓ, સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સૌથી પહેલા ફેનિલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેના મિત્રના કપલ બોક્સ કાફે પર લઈ જવાયો હતો. ત્યારબાદ અમરોલી કોલેજ અને પછી પોલીસે તેને લઈને ગ્રીષ્માના ઘર પાસે પહોંચી હતી. ત્યારે તો પરિવારજનોમાં આરોપી ફેનિલ સામે રોષ જોવા મળ્યો હતો. આ પરિવારજનો તેને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.