રાજ્યના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવી સંભાવના
ગાંધીનગર – દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને કોરોના વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેક્સિન ટ્રાયલ બેઝ પર આપવામાં આવશે. વિવિધ પ્રાણી સંગ્રહાલયો પૈકી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગની પસંદગી કરવામાં આવી છે. દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકોને કેન્દ્રીય મંત્રાલયમાં પત્ર લખવામાં આવ્યો છે. આ પ્રાણીઓને કોરોના સંક્રમણ થાય નહીં તેની તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યના વન વિભાગના મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું હતું કે આવી કોઇ સૂચના આવી હોય તે અંગે વન વિભાગને હજી સુધી કોઇ જાણ થઇ નથી.
સચિવાલયના સૂત્રો કહે છે કે પ્રાણી સંગ્રહાલયોમાં કોરોના વેક્સિન આપવાની છે કે કેમ તે અંગે રાજ્યના વાઇલ્ડલાઇફ અને વન વિભાગની મંજૂરી લેવાની બાકી છે. આ મંજૂરી મળ્યા પછી કોરોના વેક્સિનનો ટ્રાયલ પ્રાણીઓ પર થઇ શકશે. અમેરિકા સ્થિત ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘને કોરોના વાયરસ થતાં થોડાં સમય પહેલાં વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની સુરક્ષા માટે વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે અને પ્રાણીઓના વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.