વડોદરામાં દુષ્કર્મ પછીના સમયે ગ્રાઉન્ડની દિવાલ કૂદીને જતા બે શખ્સો દેખાયા, કરાઈ અટકાયત
વડોદરા: વલસાડ ખાતે ટ્રેનમાં ફાંસો ખાઇ આપઘાત કરનાર યુવતી પર વડોદરાના જૂના પાદરારોડ વિસ્તારના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો. જેના પગલે રેલ્વે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વડોદરા પોલીસ પણ જોડાઇ છે. આ કેસમાં તપાસ કરતી વડોદરા અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે વેક્સિન ગ્રાઉન્ડ વિસ્તારના તારીખ 29મી ઓક્ટોબરના સાંજ પછીના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં વેક્સિન ગ્રાઉન્ડની દીવાલ કૂદીને રોડ ક્રોસ કરતા બે શકમંદ યુવકોના ફૂટેજ પોલીસ માટે મહત્વના બન્યા છે. આ સાથે શકમંદોની પૂછપરછ અને કોલ્સ ડીટેલ પણ તપાસમાં આવી રહી છે. અત્યાર સુધી આ કેસમાં કુલ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
રિક્ષાચાલક યુવતીને ઓળખતો હોય શકે છે
રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલક યુવતીને ઓળખતો હોઈ શકે છે. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના CCTV ફૂટેજમાં તપાસ કરતા બનાવના દિવસે યુવતી જતી દેખાઈ હતી અને ટ્રેનમાં એક યુવક યુવતીનો પીછો કરતો CCTVમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત વલસાડ રેલવે સ્ટેશન પર રાત્રિ દરમિયાન 12:40 કલાકે સફાઇ કર્મીઓએ વિદ્યાર્થિનીને બેઠેલી જોઇ હતી. જોકે સફાઇકર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા.
બસ ચાલક સાંજે 6.55 કલાકે યુવતીને મળ્યો હતો
વડોદરામાં અભ્યાસની સાથે NGOમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સિન મેદાનમાંથી ખાનગી બસચાલક સાંજે 6.55 કલાકે યુવતીને મળ્યો હતો. જે બાદ તેણે તેની બહેનપણી પાસે પહોંચતી કરી હતી. બસ ચાલકે જણાવ્યું હતું કે, હું મેદાનમાં સાંજે 6:55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ જણાવ્યું હતુ કે, મારા ઉપર બળાત્કાર થયો છે. મોબાઇલની બેટરીથી તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી. આમ CCTV સાંજે 6:50 મિનિટના મળ્યા છે અને બસના ડ્રાઇવરે સાંજે 6:55 કલાકે યુવતીને જોઇ હોવાથી પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી છે.