સુરતઃ ઉભરાટના દરિયે ફરવા ગયેલા ચાર બેન્ક કર્મીઓ પૈકી બે દરિયામાં ડૂબ્યા, ‘મોજ’ માતમમાં ફેરવાઈ
નવસારીઃ સુરતમાં શનિ અને રવિવારે રજા હોય ત્યારે લોકો ફરવા જતાં હોય છે ત્યારે ક્યારેક અણધારી ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ઉભરાટના દરિયામાં બની હતી. અંહી બેન્ક ઓફ મહારાષ્ટ્રના ચાર કર્મચારીઓ ફરવા આવ્યા હતા. જેમાંથી બે કર્મચારીઓ દરિયામાં ઉંડે સુધી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. બંનેના મોત થયા હતા. સ્થાનિક ગ્રામ રક્ષક દળની મદદથી મોડી સાંજે બે યુવકોની લાશ બહાર કઢાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં કામ કરતા ચાર કર્મચારીઓ રવિવારના દિવેસ સુરત નજીક આવેલા ઉભરાટના દરિયા કિનારે ફરવા ગયા હતા. જ્યાં ચાર પૈકી બે યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. 37 વર્ષીય સુહાસ અને 24 વર્ષીય તરુણ દરિયામાં ઉંડે સુધી ગયા હતા.
બંને કર્મચારીઓને તરતા આવડતું ન્હોતું માટે બંને દરિયામાં ડૂબી ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક તરવૈયા અને ગ્રામ્ય રક્ષક દળની મદદથી બંને લોકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મોડી સાંજે બંને યુવકોની લાશ મળી આવી હતી. ઘટનાના પગલે મરોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છેકે ડુબવાની ઘટના શનિવારે મોરબીમાં બની હતી દિવાળીના પર્વ નિમિતે રાજકોટથી ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રોકાવા આવેલા બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં અકસ્માતે ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે આ કરુણ ઘટનાને કારણે રોહિશાળા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.18) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.વ.16) બંને રાજકોટથી દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. આ બંને પોતાના મામા હિતેશભાઈ નિમાવતના પુત્ર મેહુલ નિમાવત (ઉ.વ.20) સાથે રોહિશાળા ગામના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા.
આ દરમિયાન ન્હાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના કરુણ મોત નિપજયા છે. જેને પગલે તંત્ર દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.