गुजरात

અમદાવાદ: કોરોનામાં પતિએ પત્ની પાસે જવાનું બંધ કર્યું, લગ્નના 11 વર્ષે અન્ય યુવતી સાથે ભાગી ગયો!

અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે લગ્નના દોઢેક વર્ષ બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરતાં તે પતિ સાથે અલગ રહેવા ગઈ હતી. સાસુ-સસરાએ અલગ રહેવાની ના પાડતા તેનો પતિ ફરિયાદી પાસે અઠવાડિયામાં એકવાર આવતો હતો. કોરોનામાં લોકડાઉન આવતા મહિલાના પતિએ તેની પાસે જવાનું બંધ કરી દીધું હતું. જે બાદમાં પરિણીતા અનેક દિવસો સુધી પતિની આવવાની રાહ જોઇને બેસી રહેતી હતી. 2010માં લગ્ન કર્યા બાદ હવે પરિણીતાને બહારથી જાણવા મળ્યું કે તેનો પતિ કોઈ યુવતી સાથે ભાગી ગયો છે. જેથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના વેજલપુર સોનલ સિનેમા પાસે રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2010મા થયા હતા. ગોમતીપુર માં રહેતા યુવક સાથે લગ્ન કર્યા બાદ મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ મહિલાને તેના સાસરિયાઓએ દોઢેક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં મહિલાને નાની મોટી વાતોમાં મ્હેણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ અલગ અલગ બાબતોમાં ઝઘડા કરી માર મારી મહિલાને ત્રાસ આપતો હતો. જેથી મહિલા તેના પતિ સાથે અલગ જગ્યાએ રહેવા ગઈ હતી. ત્યારે સાસુ-સસરાએ મહિલાના પતિને બોલાવી પત્ની સાથે અલગ ન રહેવા કહ્યું હતું. બાદમાં મહિલાનો પતિ અઠવાડિયામાં એક જ દિવસ તેની પાસે આવતો હતો.

મહિલાનો પતિ ઘરે આવે ત્યારે મહિલા ઘરખર્ચની રકમ માંગતી હતી. મહિલાનો પતિ પૈસા આપવાની ના પાડીને તેણી સાથે મારપીટ કરતો હતો. મહિલાને પુત્ર હોવાથી તે સંસાર ન બગડે તે માટે બધો ત્રાસ સહન કરતી હતી. કોરોનાની મહામારી વખતે લોકડાઉન આવતા મહિલાના પતિએ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. મહિલા ફોન કરે તો પણ ઉપાડતો ન હતો.

બીજી તરફ મહિલા તેનો પતિ આવશે તેવી આશા રાખીને બેઠી હતી. તેવામાં તેને જાણવા મળ્યું કે તેનો પતિ કોઈ યુવતીને લઈને ભાગી ગયો છે. જેથી મહિલાએ તેના સાસુ-સસરાને પૂછતાં તે લોકોએ કહી દીધું હતું કે, “મારા દીકરાને જ્યાં જવું હશે ત્યાં જશે. તારે શુ કામ છે. તું તલાક આપી દે.” આમ પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button