માતા-પિતાની કાળજી ન રાખનાર વાંચી લેજો અમદાવાદનો આ કિસ્સો, નહિ તો આવશે પસ્તાવાનો વારો
અમદાવાદ: આજના જમાનામાં હજુ પણ ઘરડા ઘરમાં આશરો લેનારા માતા પિતાની સંખ્યા ધણી છે. અનેક એવા સંતાનો છે, જે તેમના માતા પિતાને રાખતા નથી. આખી જિંદગી જે સંતાનોને પાળીપોષીને મોટા કર્યા તે જ સંતાનો હવે માતા પિતાની કાળજી નથી રાખતા. એવી અનેક ઘટનાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. એક પુત્રએ માતાની કાળજી ન રાખી અને ભરણપોષણ સાથે દવાઓનો ખર્ચ ન આપતા માતાએ ડેપ્યુટી કલેકટરને અરજી કરી મદદ માંગી હતી. બાદમાં હવે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વૃદ્ધા પોતાના મોટા પુત્ર પાસે રહે છે
શહેરના અસારવામાં રહેતા 84 વર્ષીય વૃદ્ધા વર્ષ 2014થી તેમના મોટા પુત્ર, પુત્રવધુ અને પૌત્ર તથા તેની પત્ની સાથે રહે છે. વૃદ્ધાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. દીકરી લગ્ન બાદ તેના સાસરે રહે છે. વૃદ્ધાના પતિનું વર્ષ 2002માં બીમારીના કારણે અવસાન થયું હતું. વર્ષ 2014 પહેલા વૃદ્ધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેમના બંને પુત્રો ભરણ પોષણ અને દવાદારૂનો ખર્ચ ઉઠાવતા હતા. પણ વર્ષ 2014 બાદ વૃદ્ધાનો નાનો પુત્ર પત્ની અને સંતાન સાથે હીરાવાડી રહેવા જતો રહ્યો હતો. જેથી વૃદ્ધાનો મોટો પુત્ર દવાદારૂનો ખર્ચ અને ભરણ પોષણનો ખર્ચ ઉઠાવતો હતો. નાનો પુત્ર સારું કમાતો હોવા છતાંય કોઈ ખર્ચ ઉઠાવતો નહિ.
માતાએ ભરણપોષણની અરજી કરી
વૃદ્ધાએ સીટી ડેપ્યુટી કલેકટર ઇસ્ટ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં ભરણ પોષણની અરજી અપીલ કરી હતી. જે અરજી પર 3.10.2019ના રોજ હુકમ થયો કે, વૃદ્ધાના નાના પુત્રએ દર મહિનાની પાંચમી તારીખે પાંચ હજાર માતાના ભરણ પોષણ અને દવાના આપવાના રહેશે.
છતાંય વૃદ્ધાનો નાનો પુત્ર આ ખર્ચ ન આપી તેઓની જવાબદારી ન નિભાવી ભરણ પોષણનો ખર્ચ વર્ષ 2019થી ન આપતા વૃદ્ધાએ આ હુકમની નકલ સાથે પોલીસની મદદ લીધી હતી. પોલીસે આવા પુત્રને પાઠ ભણાવવા તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી શબક શીખવાડવા તપાસ શરૂ કરી છે.