સુરતમાં અઠવા બાદ રાંદેર વિસ્તારમાં પણ કોરોનાની દસ્તક, ત્રણ બાળકો સહિત પાંચ લોકો પોઝિટિવ
સુરતમાં ફરી એક વખત કોરોના વાયરસે દસ્તક આપી છે. પહેલી અને બીજી લહેર બાદ ફરી એક વખત સુરતના રાંદેર અઠવા ઝોનમાં ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે. બે દિવસ પહેલા અઠવા ઝોનમાં નવ કેસ બાદ રાંદેર ઝોનમાં એક જ સોસાયટીમાં પાંચ કેસ સામે આવતા તંત્ર દોડતુ થયું છે. જોકે, આ પાંચ કોરોના સંક્રમિતોમાંથી ત્રણ બાળકો હોવાને લઇને સમગ્ર સોસાયટીને ક્વોરન્ટીન જાહેર કરી છે. 242 લોકોને હોમ ક્વોરન્ટીન રહેવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ અહીંના લોકો બેરોકટોક બહાર આવી રહ્યા છે અને બહારના લોકો શાંતિથી અંદર જઇ રહ્યા છે.
પાલ વિસ્તારમાં કોરોનાની દસ્તક
કોરોનાની ત્રીજીલહેર વચ્ચે સુરતમાં ધીરે ધીરે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જોકે, કોરોનાની પહેલી લહેર સમયે શહેરમાં સુરતનો રાંદેર ઝોન સૌથી વધુ પ્રભાવિત થયો હતો. બીજી લહેરમાં સુરત અઠવા ઝોનમાં જે પ્રકારે કેસો મળી રહ્યા હતા તેનું પુનરાવર્તન ફરી સુરતમાં જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલાં સુરતના અઠવા ઝોનમાં એક જ એપાર્ટમેન્ટમાંથી નવ જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાલ નજીકના એક સોસાયટીના બે બિલ્ડિંગમાંથી પાંચ જેટલા કેસો મળી આવ્યા છે. આ પાંચમાંથી ત્રણ બાળકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.