गुजरात

અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો : MMERRY MELINAની ફ્રેન્ડ રિકવેસ્ટ યુવકને 1.7 લાખમાં પડી

અમદાવાદ: સોશ્યલ મીડિયાથી સાવધાન રહેવું હવે ખરેખર જરૂરી બન્યું છે. શહેરમાં રહેતો વધુ એક યુવક સોશ્યલ મીડિયાના લીધે છેતરપીંડીનો ભોગ બન્યો હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ યુવકને એક દિવસ MMERRY MELINA નામની પ્રોફાઈલ પરથી ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે સ્વીકાર્યા બાદ તેણે મોબાઈલ નંબરની આપ લે કરી વાતચીત શરૂ કરી હતી. જ્યાં પાંચમા દિવસે જ આ પ્રોફાઈલ ધારકે અલગ અલગ ગિફ્ટ મોકલી હોવાનું જણાવ્યું હતું. ત્યાં કસ્ટમ ઓફિસરના નામે કોઈએ ફોન કરી અલગ અલગ ફીના નામે યુવકના 1.7 લાખ ખંખેરી લીધા હતા. યુવક સાથે છેતરપીંડી થઈ હોવાનું સામે આવતા તેણે પોલીસ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા માં રહેતા દશરથભાઈ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરે છે. જુલાઈ માસમાં તેઓના ફેસબુક આઈડી પર એક અજાણી સ્ત્રીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. આ આઈડીનું નામ MMERRY MELINA હતું. આ આઈડી પરથી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ દશરથભાઈએ સ્વીકારી અને બાદમાં તેઓએ આ મહિલાને મેસેજ કર્યો હતો.

વાતચીત દરમિયાન બનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. મિત્રો બન્યાના પાંચ જ દિવસમાં આ દશરથભાઈને આ આઈડી ધરાવનાર વ્યક્તિએ ઘડિયાળ, પરફ્યુમ, મોબાઈલ, શૂઝ અને લેપટોપ જેવી વસ્તુઓ ગિફ્ટ તરીકે મોકલી હોવાનું જણાવ્યું હતું. બાદમાં બીજા દિવસે કોઈ સ્ત્રીએ કસ્ટમ ઓફિસર હોવાનું કહી અલગ અલગ ચાર્જ પેટે અનેકઘણા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. અને બાદમાં આ કુરિયર પ્રાઇવેટ કુરિયરથી મોકલવાનું કહી દશરથભાઈ પાસે આ વ્યક્તિએ વધુ રૂપિયા માંગ્યા હતા.

જેથી દશરથભાઈએ તેમના મિત્રને જાણ કરતા તેમના મિત્રએ ફ્રોડ થયું હોવાનું જણાવતા દશરથભાઈએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.7 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button