गुजरात

સુરેન્દ્રનગર: કાર અકસ્માતમાં થયુ પતિનું મોત, આઘાતમાં પત્નીએ પણ છોડ્યા પ્રાણ, સંતાનો નિરાધાર

સુરેન્દ્રનગરમાં એક કરુણાંતિકા સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડી પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ પહેલા ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે બે દિવસ બાદ પાટડી પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરનું પણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ દૂર્ઘટનાને પત્નીએ સહન ન કરી શકતા ગઇકાલે આઘાતમાં તેનું પણ મોત નિપજ્યું છે. માતાપિતાના મોતને કારણે બે બાળકો નોંધારા બન્યા છે.

સુરેન્દ્રનગરમાં પાટડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પાટડી તાલુકાના વતની લતીફભાઇ કુરેશી તથા પાટડી તાલુકાના ખેરવા ગામે સસ્તા અનાજના દુકાનદાર પ્રવીણભાઇ ઠક્કર ગાડી લઇને વિરમગામથી માલવણ તરફ આવી રહ્યાં હતા. આ દરમિયાન માલવણ હાઇવે પર કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. દરમિયાન ગાડી ડિવાઇડર કુદાવી સામેથી આવતી કાર સાથે જોરદાર અથડાઇ હતી.

આ અકસ્માતમાં કારચાલક લતીફભાઇ કુરેશીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યારે કારમાં સવાર પ્રવીણભાઇ ઠક્કરને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. અકસ્માતની આ ઘટનાના 2 દિવસ બાદ લતીફભાઇ કુરેશીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ ઘટનાથી મૃતક લતીફભાઇ કુરેશીના પત્ની કુલસુમબેનને આઘાત લાગતા તેમણે 2 દિવસથી જમવાનું ત્યજી દીધું હતું. જેથી આજે ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.

Related Articles

Back to top button