ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોના થયા છે મોત ? જાણો કોંગ્રેેસે શું કર્યો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,191 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,191 નાગરિકો સાજા થઇ ચુક્યા છે, જ્યારે 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
કોંગ્રેસે એવો દાવો કર્યો છેકે, રાજ્યની 68 નગરપાલિકામાં મૃત્યુના આંકડાઓનુ વિશ્લેષણ કરતાં માલુમ પડયુ છેકે, માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી 16,892થી વધુ મૃત્યુ થયા છે.
ખરેખર તો ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોના મોત થયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, રાજ્ય સરકાર કોરોનાનો મૃત્યુઆંક 10,075 દર્શાવે છે. હકીકતમાં આ આંકડો ખોટો છે. આરટીઆઇના માધ્યમથી આ માહિતી બહાર આવી છે.
કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ખૂબ આતક નિવડી હતી તેવો ઉલ્લેખ કરતાં વિપક્ષ નેતા ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનામાં 3 લાખથી વધુ લોકો મોતને ભેટયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 10 હજારના જ મરણ નોંધાયા છે.
ગત મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોંગ્રેસ દ્વારા સોશિયલ ઓડિટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોંગ્રસના ધારાસભ્યો રાજ્યના 18 હજાર ગામોમાં પહોચ્યા હતાં. ‘ગુજરાત બચાવો અભિયાન અંતર્ગત આરટીઆઇ આધારે માહિતી મેળવવામાં આવી છે. જેમાં મૃત્યુનોંધની રજિસ્ટર્ડ કોપીઓ મેળવવામાં આવી હતી.
હાવર્ડ યુનિવસટીના રિસર્ચ અહેવાલમાં આ આખીય વાત સ્પષ્ટપણે જણાવાઇ છે. રાજ્યની 54 નગર પાલિકામાં પાંચ ટકા વસ્તીમાં મૃત્યુઆંક ધારણા કરતાં 40 ટકા વધુ રહ્યો હતો. વર્ષ 2019માં દર મહિનામાં મૃત્યુઆંક 2500થી વધ્યો નથી. જયારે 2020માં જૂનમાં મૃત્યુઆંક 4 હજાર રહ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ 2021માં નોંધાયેલા મૃત્યુ 17882 હતા.
પાછલા બે વર્ષની સરખામણીમાં મરણઆંકમાં 102 ટકાનો વધારો થયો છે.50થી 60 વયના લોકોમાં મૃત્યુ પ્રમાણ 164 ટકા રહ્યુ હતુ જયારે 40-50 વયના લોકોનુ મૃત્યુ પ્રમાણ 152 ટકા રહ્યુ હતું. પુરુષોનુ મૃત્યુના પ્રમાણ 107 ટકા અને મહિલાઓનુ મૃત્યુ પ્રમાણ 103 ટકા રહ્યુ હતુ. ધાનાણીએ માંગ કરી કે, કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવવાની ભૂલ ના કરે. તજજ્ઞાોના મતે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવી શકે છે.
રાજ્યના 8 મહાનગરો, 256 તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં મૃત્યુની નોંધણી થઈ છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાનો સાચો મૃત્યુઆંક જનતા સમક્ષ રજૂ કરવા જોઈએ. કોંગ્રેેસ કોરોના મૃતકના પરિવારજનોને રૂા.4 લાખ વળતર, રહેમરાહે નોકરી આપવા માંગ કરી છે.