બોટાદ: પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા મારી કરી ઘાતકી હત્યા, સંતાનો નિરાધાર
બોટાદ: રાણપુર તાલુકાના ગુંદા ગામે મંગળવારે સવારનાં સમયે પતિએ પત્ની અને તેમના ભાભીની છરીનાં ઘા મારી હત્યા કરવાની ઘટના સામે આવી છે. જે બાદ પતિ ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ આખા પંથકમાં હાહાકાર મચી ગયો હતો.ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ બે હત્યા અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘરમાં ત્રણ જ લોકો હતા
પરિવારનાં બીજા સભ્યો ઘરમાં હાજર ન હતા. આ સમયગાળામાં ભીખુભાઈ અને તેમના પત્ની હર્ષાબેન વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બાબાતમાં ભાભી ધીરજબેન વચ્ચે પડતા ભીખુભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. પતિ ભીખુભાઇએ પત્ની હર્ષાબેન ડોડીયા અને ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયાને છરીના આડેધડ ઘા મારી બન્નેની હત્યા કરીને ભીખુભાઈ ડોડીયા ઘરમાંથી ભાગી ગયા હતા.
હત્યા પાછળનું કારણ હજી અકબંધ
આ ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને બન્નેનાં મૃતદેહને પી.એમ. માટે રાણપુરની સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. આ હત્યા સમયે ઘરે માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. જોકે આ ઘટના બાદ આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો.
સંતાનો નિરાધાર બન્યા
પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક હર્ષાબેન અને ભીખુભાઈને ૩ સંતાનો છે જેમાં 2 દીકરા અને 1 દીકરી છે. જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડીયા નિશાંતાન છે. હાલ આ પરિવારનાં બાળકો નિરાધાર થઇ ગયા છે. આ ઘાતકી ઘટના બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.