गुजरात

ખેડૂતો માટે રાહતનાં સમાચાર: રાજ્યમાં આગામી ચાર દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જન્માષ્ટમીના દિવસે રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને પણ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ લગાવાવમાં આવ્યું છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સાથે ખેડૂતોએ વાવેલા પાકને પણ જીવતદાન મળ્યું હતુ. સોમવારે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે, સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ક્યાં ક્યાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યા પ્રમાણે આજથી એટલે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. નોંધનીય છે કે, સોમવારે, આણંદના ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડ્યો તો બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીએ દર્શન માટે આવેલા ભક્તો અમીછાંટણાથી ભીંજાયા હતા. યાત્રાધામ અંબાજીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો તો રાજકોટના જેતપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દક્ષિણ તરફ ડાંગ જિલ્લામાં પણ ધીમીધારે વરસાદનું આગમન થતાં પ્રવાસીઓએ વરસાદી વાતાવરણની મજા માણી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતોના જે પાક સુકાઈ રહ્યો હતો તેને જીવનદાન મળ્યું છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button