અમદાવાદમાં બેવડી હત્યા: માતા અને કાકાની હત્યા કરીને યુવકનો આપઘાતનો પ્રયાસ, બે દિવસ મૃતદેહ પાસે બેસી રહ્યો
અમદાવાદ: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડર નો બનાવ સામે આવ્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. યુવકે જે કૃત્ય કર્યું છે તે ભલભલાને હચમચી નાખે તેવું છે. આરોપીના પિતા (Father)નું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તે અને તેની માતા કાકા સાથે રહેતા હતા. આરોપી યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવેશમાં આવીને બંનેની હત્યા કરી નાખી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આરોપી માતા અને કાકાની હત્યા કર્યાં બાદ બે દિવસ મૃતદેહની બાજુમાં લોહીલુહાણ હાલતમાં બેસી રહ્યો હતો.
“મેં મારા માતા અને કાકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી.” આ શબ્દો ઈસનપુર વિસ્તારમાં આવેલા સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના છે. વરુણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના સબંધીને કરી હતી. જોકે, પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ સ્થળે વરુણ લોહીલુહાણ હાલમાં જોવા મળ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.