गुजरात

ભુજ તાલુકાના વિવિધ રસ્તાઓના રૂ. ૧૦ કરોડના કામોનું ખાતમુર્હત કરાવતા રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ભુજ તાલુકાના વિવિધ રસ્તાઓના રૂ. ૧૦ કરોડના કામોનું ખાતમુર્હત કરાવતા રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર

કચ્છની પ્રજાના મારા પરના વિશ્વાસ અને લાગણીનો ઋણ ચુકવવા વિકાસના કામો કરવા હું હંમેશા તત્પર છું: રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર

આજરોજ ભુજ તાલુકાના અટલનગર મધ્યે રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ભુજ તાલુકાના લાખોંદ-નાગોર રોડ, લાખોંદ-કાલીતલાવડી રોડ, કુકમા સ્ટેશન રોડ, નાગોર-સરસપર-ત્રંબો રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા સુવિધાસભર રસ્તા બને અને ઝડપી પરિવહન શક્ય બને તે માટે વિવિધ યોજનાઓ થકી સડકોનું નિર્માણ કરવામાં આવી રહયું છે.જે અન્વયે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુકમા સ્ટેશન રોડ, લાખોંદ- કાલીતલાવડી- ચપરેડી રોડ અને નાગોર – સરસપર – ત્રંબો રોડ એમ કુલ ૧૭ કિમીના રોડનું રિસરફેરસિંગ કામ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુકમા- લાખોંદ રોડ, લાખોંદ- ત્રાયા રોડ, ત્રાયા એપ્રોચ રોડ અને પુરાસર એપ્રોચ રોડ એમ કુલ ૧૫ કિમીના રોડ જે હાલ ૩.૭૫ મી.ના છે જેને ૫.૫૦ મી પહોળાઇના બનાવવાની મંજુરી અંતર્ગત કુલ રૂ. ૧૦ કરોડ જેટલી માતબર રકમના રોડના કમોનું તેમજ પુર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના સ્ટેચ્યુના નિર્માણ કામનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે ખાતમુર્હુત કર્યું હતું. આ ગ્રામીણ માર્ગોના નિર્માણ થકી આ વિસ્તારના પરિવહન ક્ષેત્રે સુધાર આવશે અને અત્રેની જન સુવિધામાં સાપેક્ષ ફાયદો થશે.

આ તકે રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, અટલજીના અટલનગરમાં તેમની પુણ્યતિથિના પ્રસંગે તેમના સ્ટેચ્યુ નિર્માણ કામનું ખાતમુર્હુત કરવું એ મારું સૌભાગ્ય છે. ભૂકંપ બાદ ના ૨૧ વર્ષમાં અટલનગર ચપરેડી સહિત આ વિસ્તાર વિકાસની વાટે સોળે કળાએ ખીલ્યું છે. અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા કે “દેશના રસ્તાઓ એ દેશની હસ્તરેખાઓ છે” તે મંત્રને કેન્દ્ર સ્થાને રાખીને સરકારે કચ્છ સહિત ગુજરાતના પરિવહન માર્ગોનું નવસર્જન કર્યું છે . પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેઈએ ભુકંપ બાદ કચ્છને બેઠું કરી અને ફરી વિકાસની વાટે બમણી ગતિથી દોડતું કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પંથક સહિત કચ્છના લોકોના મારા પરના વિશ્વાસ અને લાગણીનું ઋણ ચુકાવવા મારાથી થશે એટલા વિકાસના કામો કરવા માટે હું હંમેશા તત્પર છું. ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માણસ ની પડખે હંમેશાથી ઉભી છે અને ઉભી રહેશે. આ ઉપરાંત જનપ્રતિનિધિઓને પણ તેમણે સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ડેપ્યુટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને રોડ ગુણવત્તાસભર બનાવવા માટે તાકીદ કરી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કચ્છની ખમીરવંતી પ્રજા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બધાએ સાથે મળી ખૂબ જહેમત ઉઠાવીને કચ્છનું નવસર્જન કર્યું. શ્રી અટલ બિહારી વાજપેઈએ કચ્છમાં ઉદ્યોગ સ્થાપવા માટે એક્સાઇઝ ડ્યુટી માફ કરી અને વિકાસના માર્ગે કચ્છ ફરીથી પુરપાટ દોડવા માંડ્યું. આજે કચ્છે તમામ ક્ષેત્રે નામના મેળવી છે. ધોળાવીરાને વિશ્વ વિરાસત સાઈટમાં સ્થાન મળતા કચ્છના પ્રવાસન ક્ષેત્રે ચાર ચાંદ લાગ્યા છે. તો પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી ગામડાઓમાં રહેલી હસ્ત કળાઓને પણ વેગ મળ્યો છે અને કારીગરોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સાશક પક્ષના નેતા શ્રી હરિભાઈ જાટીયાએ કર્યુ હતું તો આભારવિધિ અટલનગર સરપંચશ્રી દામજીભાઈ એ કરી હતી.

આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા તથા અગ્રણીઓ સર્વશ્રી વાઘજીભાઈ આહીર, કંકુબેન ચાવડા, ડાયાભાઈ વરચંદ, ધનજીભાઇ ચાવડા, મહેશભાઈ માતા, શંકરભાઈ ચાવડા, કરસનભાઈ આહીર, દેવુભાઈ, અરવિંદભાઈ ચાવડા, અશોકભાઈ બરાડીયા, શિવજીભાઇ, કાનજીભાઈ, ભીમજીભાઇ ગાગલ, કારાભાઈ વસ્તાભાઇ, ભીમજીભાઇ, સવિતાબેન, વિરમભાઇ ચાડ તેમજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયરશ્રી પ્રજાપતિ અને સમાજ કલ્યાણ અધિકારીશ્રી બારોટ હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button