गुजरात

નારી ગૌરવ દિવસ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન -મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો

ભૂજ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

નારી ગૌરવ દિવસ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન -મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

શકિત સ્વરૂપા નારીએ પોતાની શકિત ઓળખી આત્મવિશ્વાસથી લક્ષ્ય તરફ વધવું

– ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય

રૂ.૪.૮૮ કરોડની વ્યાજ મુકત લોનના ચેક ૪૮૮૦ મહિલાઓને વિતરણ કરાશે

રૂ.૪૨ લાખના ૬ નંદઘરનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

રૂ.૭૦ લાખની ૨ ઘટક કચેરીનું ગાંધીધામ ખાતે લોકાર્પણ કરાયું

વ્હાલી દિકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક

સહાય યોજનાના હુકમ અને ચેક વિતરણ કરાયા

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના રાજય સરકારના સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લાકક્ષાનો નારી ગૌરવ દિવસ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ ભુજ ખાતે યોજાયો હતો.

નારી ગૌરવ દિવસ નિમિતે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે કચ્છ જિલ્લામાં ૪૮૮ જોઈન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપની ૪૮૮૦ મહિલાઓને રૂ.૪.૮૮ કરોડની વ્યાજ મુકત લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ દ્વારા રૂ.૪૨ લાખના ખર્ચે કુલ ૬ નંદઘરનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ગાંધીધામમાં રૂ.૭૦ લાખના ખર્ચે નિર્મિત ૨ ઘટક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શકિત સ્વરૂપા નારીએ પોતાની શકિત ઓળખી આત્મવિશ્વાસથી લક્ષ્ય તરફ આગળ વધવું જોઇએ. સકારાત્મક બની મહિલાએ પુરૂષાર્થની પરાકાષ્ટાથી લક્ષ્ય સાર્થક કરવું જોઇએ એમ ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું.

મહિલાઓના સશકિતકરણ અને વિકાસ માટે સરકાર સંકલ્પબધ્ધ છે. શ્રમિક મહિલાથી લઇ બિજનેશ વુમનનો આર્થિક ઉત્કર્ષ માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે આયોજનપૂર્વક તેનો લાભ લો અને લાભ લેવડાવી દરેક નારીએ આર્થિક સ્વનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઇએ. રાજય સરકારે શ્રમિક સગર્ભાને રૂ.૨૭ હજારની સહાયથી લઇ દિકરીઓને ટેકનીકલ કૌશલ્યવાન બનાવવા મહિલા આઈ.ટી.આઇ. અને આર્થિક સામાજિક ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા છે.

વિશ્વના નકશામાં કચ્છને સ્થાન અપાવનાર પ્રધાનમંત્રીશ્રીએ કચ્છના પ્રવાસનને પ્રોત્સાહિત કરી માત્ર સ્થાનિક રોજગારી જ નહીં પરંતુ પરંપરાગત કલાઓના વેપારને પ્રોત્સાહિત કરી મહિલા ઉત્કર્ષના દ્વાર પણ ખોલેલા છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ મહિલાઓની વિવિધ સ્થિતિઓનો ચિતાર આપી રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં મહિલા વિકાસને મહત્વ આપી સરકારે અમલી કરેલી વિવિધ યોજનાઓની વિગતો આપી સૌને યોજનાઓના લાભ લેવા અવગત કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ દર માસે રૂ.૨.૮૬ કરોડની સહાય ૨૨,૮૪૧ લાભાર્થીને ચૂકવાય છે તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૨૪૪૭ લાભાર્થી દિકરીઓને રૂ.૨૬.૭૦ કરોડના મંજુરી હુકમો અપાયા છે.

સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી હનુમંતસિંહ જાડેજાએ નારી ગૌરવ દિવસ કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ૨૧૧૩ અને શહેરી વિસ્તારના ૧૩૭૧ જેટલા લાભાર્થી ગ્રુપને લોન સહાય પુરી પાડવામાં આવશે જે પૈકી આજે ગ્રામ્ય વિસ્તારના ૪૦૦ લાભાર્થી મંડળ અને શહેર વિસ્તારના ૮૮ એમ કુલ ૪૮૮ ગ્રુપ સાથે જોડાયેલ ૪૮૮૦ મહિલાઓને રૂ.૪.૮૮ કરોડની વ્યાજ વગરની લોનના ચેક આપવામાં આવી રહયા છે.

આ તકે મંચસ્થ મહાનુભાવોએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓને લોન ચેક વિતરણ, વ્હાલી દિકરી યોજના હુકમ વિતરણ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ચેક વિતરણ કર્યા હતા.

આ કાર્યક્રમની આભારવિધિ સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરાબેન ચૌહાણે કરી હતી.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, તા.પં.પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, પ્રમુખ ગોદાવરીબેન ઠકકર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પ્રોજેકટ ઓફિસર કિશોર સોઢા, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષ રાઠોડ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા અધિકારી ઈરાબેન ચૌહાણ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મનોજભાઇ સોલંકી, શાસકપક્ષના નેતા, પદાધિકારી, અગ્રણી મહિલાઓ અને લાભાર્થી બહેનો, સબંધિત વિભાગના કર્મયોગીઓ, મીડીયા કર્મીઓ કોવીડ-૧૯ની ગાઈડલાઇન સાથે ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Back to top button