લોકો ઓક્સિજનની લાઇનો ભૂલી ગયા? વીકેન્ડમાં ગુજરાતીઓ મન મૂકીને ફર્યા
અમદાવાદ : ગુજરાતમાં કોરોની બીજી લહેરનાં વળતાં પાણી દેખાય રહ્યાં છે. ત્યારે ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ ફરવા નીકળી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળ પર ભીડ જ ભીડ જોવા મળી રહી છે. ગુજરાતીઓ સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી,પાવાગઢ, અંબાજી સહિતના સ્થળોએ પરિવાર અને મિત્રો સાથે ફરવા નીકળી પડ્યા છે. જેના કારણે ગેસ્ટહાઉસથી માંડીને રિસોર્ટ હાઉસફુલ થયા છે. એકબાજુ વૈજ્ઞાાનિકો અને ડોકટરો કોરોનાની ત્રીજી સંભવિત (Corona third wave) લહેરની શંકા વ્યક્ત કરી રહ્યાં છે અને બીજી બાજુ ગુજરાતના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો ફરી તો રહ્યાં છે પરંતુ અનેક જગ્યાઓથી એવા પણ દ્રશ્યો આવી રહ્યાં છે કે, લોકો સોશિયલ ડિસ્ટન્સ તો જાળવતા નથી પરંતુ બહું જરૂરી માસ્ક પણ પહેરતા નથી.
લોકો ઓક્સિજન માટેની લાઇનો ભૂલી ગયા?
ત્યારે સવાલ એ થાય કે, લોકો જાતે જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યાં છે. આજથી થોડા જ મહિનાઓ પહેલા લોકો ઓક્સિજન, ઇન્જેક્શનો અને હોસ્પિટલમાં જગ્યા મળે તે માટે લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેતા હતા. તે બધું જ થોડા જ સમયમાં લોકો ભૂલીને મેળાવડા કરવા લાગ્યા છે ત્યારે આ ચિંતાનો વિષય છે.
વિકેન્ડમાં ગુજરાતીઓ ફર્યા
જોકે, ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને લોકો રસી લઇ રહ્યાં છે. આ સાથે શનિ અને રવિવારનાં વિકએન્ડમાં લોકો મન મૂકીને બહાર ફરવા ગયા હતા. ગુજરાતીઓ કોરોનાને કારણે ગુજરાતમાં જ ફરવાનું પસંદ કર્યું હતું તો અનેક લોકો માઉન્ટઆબુ, કેરળ, હિમાચલ પ્રદેશ પણ જઇ આવ્યા હતા. આ સાથે પરિવાર અને મિત્રો સાથે રિસોર્ટમાં પણ જવાનું ચલણ વધ્યું છે. તે માટે લોકો પહેલેથી જ બુકિંગ કરાવી રહ્યાં છે.
ટુરિસ્ટ વ્હિકલનાં ભાડામાં પણ વધારો
જોકે બીજી બાજુ ટુરિસ્ટ વ્હિકલનાં ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશન પ્રમુખ કિરણભાઈ મોદીએ જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી ધંધાને મોટી અસર પહોંચી છે. અનલોક થયું ત્યાર બાદ 65 રૂ. ડીઝલ હતું તે આજે 96થી 97 રૂપિયા પહોંચી ગયો છે.તમામ વસ્તુમાં 30થી 35 ટકાનો વધારો થયો છે.