Video: દ્વારકાધીશનાં મંદિર પર વીજળી પડ્યોનો વીડિયો વાયુવેગે પ્રસરતા અમિત શાહે ફોન કરી મેળવી જાણકારી

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગઇકાલ સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જગતમંદિરના મુખ્ય શિખર પર ગઇકાલે વીજળી પડતા લગાવેલા દંડને નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. દ્વારકાધીશ શિખર ધ્વજ પર વીજળી પડવાના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ જાણકારી મેળવી હતી.
અમિત શાહે મેળવી જાણકારી
અમિત શાહે મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડવા અંગે પ્રસાસન પાસેથી જાણકારી મેળવી હતી. મંગળવારે દ્વારકામાં વીજ દ્વારકાધીશના શીખર ધ્વજ પર પડતા ધ્વજાને નુકસાન થયું હતું. શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટનાને પ્રસાશને સમર્થન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં વીડિયો વાયરલ થતા અમિત શાહે પણ આ અંગે પ્રસાશન પાસેથી જાણકારી લીધી છે.
થોડા દિવસ ધ્વજાજીનું આરોહણ અડધી કાઠીએ થશે
સ્થાનિકોની સાથે દેશવિદેશમાં રહેતા ગુજરાતીઓમાં આ ઘટનાએ ભારે ઉત્સુકતા જગાવી છે. તમામ લોકો આ ઘટનાને ભગવાન દ્વારકાધીશ તેમજ શકિત માતાજીની કૃપા જ માની રહ્યા છે. વરસાદી માહોલની સ્થિતિ જોતા આગામી બે -ત્રણ દિવસ ધ્વજાજીનું આરોહણ અડધી કાઠીએ થશે તેમ મંદિર વર્તુળોમાંથી જાણવા મળે છે.
લોકોમાં ચર્ચા પણ છે કે, સામાન્ય રીતે કોઈ ઈમારત પર વીજળી પડતા મોટું નુકસાન સર્જાતુ હોય છે. પરંતુ દ્વારકાધીશની કૃપાથી જગત મંદિર પર વીજળી પડવા છતાં માત્ર ધ્વજદંડ પરના દોરડા તુટયા હતા અને શિખર પરની ધ્વજાજી ફાટી જતા ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ઉપરાંત મંદિરને કોઇ જ પ્રકારનું નુકસાન થયું નથી.