गुजरात

ગુજરાતમાં રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા, રાજ્યના આ શહેરમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો

અમદાવાદમાં હવે રથયાત્રા બાદ જ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૧૦ જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં ગુરુવારે ૩૭.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી પાંચ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ રહેશે અને હજુ વધુ બફારાનો અનુભવ થઇ શકે છે.

આ સાથે અમદાવાદમાં હજુ ૧૦ જુલાઇ સુધી વરસાદની  સંભાવના નથી. હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં ૧૨ જુલાઇ બાદ જ વરસાદનું પ્રભુત્વ વધી શકે છે. અમદાવાદમાં ગયા વર્ષે જુલાઇમાં ૭.૩૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતમાં જ સામાન્ય વરસાદની સંભાવના છે.

સુરતમાં વરસાદે રેકોર્ડ તોડ્યો

સુરત જિલ્લામાં મેઘરાજાની રાબેતા મુજબ શરૂઆત થયા બાદ આ વર્ષે આખા જુન મહિનામાં કુલ 308 મિ.મિ અને સીઝનનો સરેરાશ 21.44 ટકા વરસાદ વરસી ચૂકયો છે. આ વરસાદે છેલ્લા પાંચ વર્ષના વરસાદનો રેકોર્ડ તોડયો છે. સુરત શહેર અને જિલ્લામાં આ અઠવાડિયે વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ચોમાસાની શરૂઆત વિધિવત થયા બાદ આખા જુન મહિનામાં ધીમે ધીમે વરસાદ વરસતો રહ્યો છે.

સામાન્ય રીતે દર વર્ષે સુરત જિલ્લામાં ચોમાસાની શરૃઆત થવાની સાથે જ સૌથી વધુ વરસાદમાં ઉમરપાડા તાલુકો જ અગ્રેસર રહે છે. ઘણા વર્ષો પછી પ્રથમ વખત એવુ બન્યુ છે કે સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં જુન -2021 માં જે  વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 414 મિ.મિ (16.56 ઇંચ) વરસ્યો છે. આમ એકબાજુ જંગલોથી ભરપૂર ઉમરપાડા તાલુકો અને બીજી બાજુ કોંક્રીટના જંગલોથી ભરપૂર સુરત શહેર. આ બન્નેમાં ઉમરપાડા માં જ  વધુ વરસાદ વરસે છે. પરંતુ આ વર્ષે જુન મહિનાના વરસાદના પ્રારંભમાં ઉમરપાડા તાલુકામાં 355 મિ.મિ (14.2 ઇંચ) અને સુરત શહેરમાં 414 મિ.મિ (16.56 ઇંચ) વરસાદ નોંધાયો છે. આને કુદરતીની મહેર જ કહી શકાય.

Related Articles

Back to top button