ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં પડ્યો ધોધમાર સાડા ચાર ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો નવસારીના ખેરગામમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સુરત શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ સુરતના પલસાણા, સુરતના માંડવી, વલસાડના ધરમપુર અને અરવલ્લીના મોડાસામાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
જોકે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે. રાજ્યમાં આ સીઝનનો અત્યાર સુધી 12 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. તો ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે.
IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ૧૯ જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે.