તારાપુર અકસ્માતમાં થયો મોટો ખુલાસો: ડ્રાઇવરને બાજુમાં બેસાડી તે સમયે ભાવિ વરરાજા ચલાવી રહ્યા હતા કાર
આણંદ: બુધવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં એકસાથે આવી રહેલા 9 વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. બુધવારે સવારે સાડા છ વાગ્યે ભાવનગરના વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. આમાં કાર અને ટ્રક (Eco car and truck accident) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં જ લાશોનાં ખડકલા થયા હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો નંબર MP09HF 9642 છે. જ્યારે ઇકો કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. જેનો નંબર GJ10TV 0409 છે.
મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત સર્જાયો ત્યારે ડ્રાઇવર સીટ પર ડ્રાઇવર નહીં પરંતુ અન્ય હતો. અકસ્માત સમયે ચાલક મુસ્તફા હતા જે માલેગાવ છોકરી જોવા ગયા હતા. અને આ પરિવાર ત્યાંથી પાછો ફરી રહ્યો હતો. આ ઉપરાંત માંલેગાવથી ભાવનગરનો સફર ઘણો લાંબો હતો. જેમાં મુસ્તફા સહિત અન્ય એક પરિવારનાં સભ્યએ પણ ગાડી ચલાવી હોવાનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ સાથે મુસ્તફા પણ ગાડી ચલાવતો હોય તેવા વીડિયો પણ સામે આવી રહ્યાં છે.
તારાપુરના સર્કલ પી.આઈ, આર.એન.વિરાણીનાં જણાવ્યાં પ્રમાણે, અકસ્માત બાદ 20 વર્ષીય ટ્રક ચાલક રાજા બગલની (રહે, નાર, મધ્યપ્રદેશ) ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અકસ્માત કેવી રીતે બન્યો તે અંગેની પૂછપરછ રારૂ કરાઈ છે. ટ્રક ચાલકના કોરોના રિપોર્ટ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇકો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇકો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.