ગુજરાતીઓને બફારાથી મળશે છૂટકારો, જાણો કઇ તારીખથી રાજ્યમાં થશે ચોમાસાનું આગમન
રાજ્યમાં બફારાનું પ્રમાણે ઘણું જ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ 11થી 13 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમીની સાથે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂનના લો પ્રેશર સર્જાશે. 10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે.
આ સ્થિતિને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કેટલાક ભાગોમાં 11થી 13 જૂન દરમિયાન આગમન કરી શકે છે.’ આ ઉપરાંત પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે મંગળવારે એટલે આજે દમણ, અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા,પંચમહાલ,દાહોદ,મહીસાગર,ગીર સોમનાથ,જુનાગઢ,અમરેલી,ભાવનગર,રાજકોટ,નવસારી,વલસાડ,દમણમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બુધવારે દમણ, અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ,જુનાગઢ,અમરેલી,ભાવનગર,રાજકોટમાં વરસાદની આગાહી છે. ગુરુવારે દમણ,આણંદ, ખેડા, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, દીવમાં આગાહી છે. જ્યારે શનિવારે નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.