અમદાવાદ : કોરોનાકાળમાં રાહતના સમાચાર, GMERSના તબીબો-સ્ટાફની હડતાળ સુખદ અંત તરફ
ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતના અંદાજે 2700 જેટલા તબીબો 13મીના રોજ બપોરે 12 વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે. સમગ્ર ગુજરાતની વિવિધ 8 કોલેજો સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જીએમઇઆરએસ સંલગ્ન ડોકટરો અને અન્ય સ્ટાફના સભ્યોએ એકઠા થઇને ગઈકાલે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. આ તબીબોમાં તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકારની ઉદાસીન અને ઉપેક્ષિત વલણ સામે આક્રોશ જોવા મળ્યો હતો.
દરમિયાન આ હડતાલ વિશે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ એસોસિએશનની ગઈકાલે જુદા જુદા મુદ્દે રજૂઆત થઈ હતી. તેઓ પ્રતિક ઉપવાસ કરતા હતા. જે મુદ્દે મારે ગઈકાલે મળવાનું થયું હતું. આજે 11.00 વાગ્યે અને 12.00 વાગ્યે તેમના આગેવાનોને બોલાવ્યા છે. આ મહામારીમાં મુખ્યમંત્રી અને સરકારના નેતૃત્વમાં મેં એમને એવી બાહેધરી આપી હતી કે એમના સકારત્મક પ્રશ્નો ઉકેલાશે.
આ મુદ્દે મુખ્યમમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નર્સ સહિતના સ્ટાફની લડાઈમાં સુંદર ભૂમિકા છે. એટલા જ માટે આ લડાઈ આપણે લડી શકીએ છીએ. નાના-મોટા પ્રશ્નો અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ઊભા થયા હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે. અત્યારે મેડિકલ કોલેજના પ્રાધ્યાપક હડતાળ ઉપર છે. આથી ચાર દિવસ પહેલા જ એની સાથે વાત કરી હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે. આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. પ્રજાને આવા સમયે બાનમાં ના રાખી શકાય એટલા માટે મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે હડતાળ પાછી ખેંચો- ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર નિર્ણય કરશે.