અમદાવાદ: માત્ર 300 રૂપિયા લેવા નોકરિયાત યુવકની કરાઇ હત્યા, પતિના મોત બાદ પત્નીને હકીકતની જાણ થઇ તો નોંધાવી ફરિયાદ
અમદાવાદ: શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત થતા હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વ્યક્તિને બે શખ્સોએ આંતરીને તેઓની પાસે ઝપાઝપી કરી હતી અને જ્યારે વ્યક્તિ રોડ ઉપર પડી ગયા ત્યારે 300 રૂપિયાની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. બે શખ્સો માંથી એક શખશે આ વ્યક્તિને માથાના ભાગે પથ્થર માર્યો હતો. જોકે સારવાર દરમિયાન આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પરંતુ મૃતકની પત્નીને મૃતકે આ સઘળી હકિકત જણાવી હતી. છતાંય મૃતકે ડોક્ટરને આ બાબતે વાત ન કરતા મૃતકની પત્નીને શંકા થઈ હતી અને તેમના પતિ ને દારૂ પીવાની ટેવ હોવાથી પડી ગયા હોવાથી ઇજાઓ થઈ હોવાનું તે માની બેઠી હતી. સમગ્ર મામલે જ્યારે હત્યાનો બનાવ સામે આવ્યો ત્યારે શહેરકોટડા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
નરોડા રોડ પર રહેતા વનિતા બહેન સાવરિયાના પતિ લેથ મશીનના કારખાનામાં નોકરી કરતા હતા. ગત 18મીના રોજ તેઓના પતિ નોકરીએ ગયા હતા પણ સમય મુજબ પરત આવ્યા ન હતા. જેથી વનિતા બહેનને થયું કે તેમના પતિ ઓવરટાઈમ કરવાના હશે અને તેમના પતિ સાડા આઠેક વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે તેઓના માથામાં પાછળના ભાગે ઈજા થઈ હતી અને તેઓના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું. જેથી વનિતા બહેને તેઓને શું થયું તે બાબતે પૂછતાં તેમના પતિએ જણાવ્યું કે, થોડીવાર પહેલા આઠેક વાગ્યાના સુમારે તેઓ ચાલતા ચાલતા રેલવેના પાટા તરફથી ઘરે આવતા હતા તે વખતે ગણેશ એસ્ટેટ આગળ બે છોકરાઓએ તેમને રોક્યા હતા. તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. જોકે તેઓએ પૈસા નહીં આપતા બંને છોકરાઓ એ તેમની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં એક છોકરાએ જમીન ઉપર પડેલો પથ્થર માથામાં મારી દીધો હતો.