અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું
રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શનો અને ઓક્સિજન મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે અનેક દર્દીઓ તથા તેમના પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આને કારણે હોમ આઈસોલેશનનાં દર્દીઓને પણ તકલીફ પડી રહી છે. ત્યાકે આ મુશ્કેલીઓ માટે સતત અવાજ ઉઠાવવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હૉસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન સેક્રેટરી પદેથી ડૉક્ટર વીરેન શાહે રાજીનામું આપી દીધું છે.
વારંવાર રજૂઆત છતાં સંતોષકારક જવાબ ન મળતા રાજીનામું આપ્યું
અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશનના પ્રશ્નોને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ સરકાર સુધી સતત તેઓ રજુઆત કરતા હતા. મંગળવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આહનાને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે રજુઆત કરવા ગયેલા આહનાના ડેલીગેશનમાં પણ તેઓ સામેલ હતા. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં હાલ સર્જાઈ રહેલી ઓક્સિજનની ઉણપ, રેમડેસીવીર ઇન્જેક્શન મામલે તંત્ર તરફથી સંતોષકારક જવાબ ના મળતા આખરે કંટાળીને ડોક્ટર વીરેન શાહે રાજીનામુ આપી દીધું છે. સતત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા મુદ્દે ડોક્ટરોને દોષી ઠેરવવામાં આવતા હોવાથી પણ ડોકટર વીરેન શાહ નારાજ હતા.