રાહતના સમાચાર: હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કોરોના દર્દીઓને રાહત મળે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી હવે કોરોના પોઝિટિવ હોય તેવો કોઈ પણ રિપોર્ટ હશે તેને રેમડેસિવીર ઇન્જેક્શન મળી શકશે. પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા. હવેથી જે દર્દીઓનો HRCT રિપોર્ટ કે પછી રેપિડ એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. સંકટના સમયમાં દર્દીઓને જીવ બચાવવા માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખૂબ ઉપયોગી છે. હાલ તેની અછત વર્તાઈ રહી છે, જેના પગલે કાળાબજાર પણ થઈ રહ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર તરફથી કોરોનાના દર્દીઓને રાહત મળે તે માટે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવીર ઈન્જેકશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.