અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ: ઇન્ડસ્ટ્રીઝમાં જતા ઓક્સિજનનો જથ્થો બંધ કરી હૉસ્પિટલોને આપવાની માંગ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે. ખાસ કરીને ખાનગી હૉસ્પિટલઓમાં ઓક્સિજનના જથ્થાની ખૂબ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે ત્યારે ખાનગી હૉસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થાની માંગ ઉઠી રહી છે. તેવામાં ઇન્ડસ્ટ્રીઝમાં જતા ઓક્સિજનનો જથ્થા પર રોક લગાવવા અને તે જથ્થો હોસ્પિટલઓને આપવા માંગ ઉઠી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, થોડા દિવસ પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજનના જથ્થાના વિતરણ મામલે 60-40નો રેશિયો રાખવા સ્પષ્ટ કર્યું હતું. પરંતુ કોરોનાનો લઈ હાલ સ્થિતિ વધુ વિકટ બની રહી છે.
અમદાવાદ હૉસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનના સેક્રેટરીનું કોરોનાને લઈ નિવેદન સામે આવયુ છે. જેમાં આહનાના સેક્રેટરી વિરેન શાહે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે, 8 માર્ચે સુધી અમદાવાદમાં 2500 કોવિડ બેડમાંથી 87 ટકા ખાલી હતા. આજની સ્થિતિએ 4400 બેડ સામે 14 ટકા જ ખાલી છે. ખાનગી હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખાલી નથી. ઓક્સિજનની ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, લંગમાં સમસ્યાવાળા દર્દીઓમાંથી 55 ટકાને ઓક્સિજનની જરૂર હોય છે. ડીલર પાસે જ ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. સરકાર ઇન્ડસ્ટ્રીમાં જતો ઓક્સિજનનો જથ્થો બંધ કરી હોસ્પિટલોને આપે તે હાલની સ્થિતિ પ્રમાણે જરૂરી છે. મહારાષ્ટ્રમાંથી આવતો ઓક્સિજનનો જથ્થો પણ ઓછો થયો છે.