AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર લાગેલું ભેટ અંગેનું પોસ્ટર બન્યું છે ચર્ચાનું કારણ, જાણો મામલો
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની સૌથી કદાવર અને પાવરફુલ ગણાતી કમિટી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટની નિમણૂંક થોડા દિવસ પહેલા જ થઇ છે. ત્યારે નવનિયુક્ત ચેરમેન હિતેશભાઇ બારોટે જાહેરાત કરી છે કે, એએમસી તરફથી મળતા એકપણ પ્રકારના ભથ્થા કે પગાર તેઓ સ્વીકાર કરશે નહી. તેમજ એએમસી પરિસરમાં આવેલી તેમની ઓફિસ બહાર પણ એક વિનંતી સાથે પોસ્ટર લગાવામાં આવ્યું છે કે, અહીં ભેટ અસ્વીકાર્ય છે. જેથી કોઇ ઓફિસમાં કોઇએ ભેટ લઇને પ્રવેશ કરવો નહી.
વાતચીત કરતા હિતેશભાઇ બારોટ કહે છે કે, એએમસીમાં પ્રજા સેવા કરવા અને જન કલ્યાણ માટે આવ્યો છું. સમાજને કાંઇ આપવા માટે અહીં છું. નહીં કે, કાંઇ લેવા. બસ કાંઇક જોઇએ છે તો તે, લોકોના આર્શિવાદની જરૂર છે. જેથી મારી ઓફિસ બહાર મેં નોટિસ લગાવી છે કે, કોઇપણ ભેટ અહીં અસ્વીકાર્ય છે. માત્ર પ્રજાલક્ષી કાર્ય માટે જે પણ વ્યક્તિ આવશે તેનું હું કામ કરીશ. આ ઉપરાંત મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે કે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું ક્યારેય નહી મેળવું. આજે પણ હું ચેરમેન સાથે બેંકમા પણ ડિરેક્ટર છું મે ક્યારેય બેઠકના ભથ્થા કે વાઉચર લીધા નથી. આજે પણ મારા નામે કોઇ વાઉચર નહી હોય. તેઓ કહે છે કે, ભગવાનના આર્શીવાદથી ઘણું મળ્યું છે જેનો મને સંતોષ છે. કાઉન્સિલર પણાનો મેં ખુદ સ્વિકાર કર્યો છે, આ સમાજ સેવા કરવાની છે અન્ય કોઇ અપેક્ષા નથી.