વડોદરા: CIFS જવાનની પત્નીએ બહેનપણીના ઘરે નિર્વસ્ત્ર હાલતમાં કર્યો આપઘાત, 6 મહિના પહેલા જ ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન

વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો અને આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં માંજલપુર વિસ્તારમાં એક 25 વર્ષની યુવતીએ પોતાની બહેનપણીના ઘરે ગળેફાંસો (suicide) ખાઇ લીધો છે. આ યુવતીએ નિર્વસ્ત્ર હાલતમાં આપઘાત કર્યો છે. યુવતીએ સીઆઈએસએફના જવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને પતિ, બહેનપણી અને પરિવારની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
મોલમાં કામ કરતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, યુવતી પહેલા શહેરના ઇલોરાપાર્કમાં આવેલા એક મોલમાં કામ કરતી હતી. ત્યાં તેને રાહુલ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ આ યુવકને સી.આઇ.એસ.એફ.માં નોકરી મળી ગઇ હતી. જેથી તેને મોલની નોકરી છોડી દીધી હતી. જે બાદ રાહુલે અન્ય યુવતી સાથે લગ્ન કરી દીધા અને તેના થકી તેમને બે સંતાનો પણ છે. થોડા દિવસ પહેલા યુવતી અને રાહુલનો ફરીથી એકબીજા સાથે સંપર્ક થયો હતો અને ફરીથી પ્રેમ સંબંધ બંધાયો હતો. સપ્ટેમ્બર 2020માં યુવતી રાહુલ સાથે દિલ્હી રેહવા જતી રહી હતી. યુવતીના પરિવારમાં આ અંગેનો વિરોધ પણ હતો. દિલ્હી જઇને બંનેએ ફરીથી લગ્ન કરી લીધા.
વડોદરા ખરીદી કરવા આવ્યા હતા
થોડા દિવસો પહેલા જ રાહુલ યુવતીને લઇને રજા લઇને દાહોદ પોતાના વતનમાં આવ્યો હતો. જે બાદ તેઓ વડોદરામાં ખરીદી કરવા વડોદરા આવ્યા હતા. યુવતી અને રાહુલ તેની માંજલપુર દરબાર ચોકડી વૈકુંઠધામ ફ્લેટમાં રહેતી બહેનપણી યોગિતાના ઘરે રહેતા હતા. યોગિતા નોકરી પર ગઇ હતી. બપોરે યુવતી રાહુલ સાથે ખરીદી કરવા માટે ગઇ હતી. બંને ખરીદી કરીને જમવાનુ લઇને ઘરે પરત આવ્યા હતા.
યુવતીની લાશ નિર્વસ્ત્ર હાલતમાં લટકતી હતી
રાહુલ પોતાની બાઇક લેવા માટે ઘરેથી નીકળ્યો હતો અને યુવતી ઘરે એકલી હતી. સાંજે તેની બહેનપણી યોગિતા ઘરે આવી અને દરવાજો ખોલીને જોયુ તો યુવતીની લાશ નિર્વસ્ત્ર હાલતમાં લટકતી હતી. જેથી, તેણે તરત જ રાહુલને ફોન કર્યો હતો. રાહુલ પણ તરત ઘરે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
યુવતીએ પણ બીજા લગ્ન કર્યા હતા
લાશને ઉતારીને પી.એમ.માટે મોકલી આપી હતી.પી.એમ.રિપોર્ટમાં પણ ફાંસો ખાવાનાયુ કારણે જ યુવતીનું મોત થયુ હોવાનુ જાણવા મળ્યુ હતું. જે બાદ પોલીસે યુવતીના વિશેરા પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. યુવતીના પણ આ બીજા લગ્ન હતા.પહેલા પતિ સાથે અણબનાવ થતા છૂટાછેડા લઇ લીધા હતા. યોગિતા કનોજીયા અને યુવતી માંજલપુરના એક મોલમાં કામ કરતા હતા. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ હતી.