અમદાવાદ: સિગારેટ ફૂંકતા 12 વર્ષના દીકરાને પિતાએ આપ્યો ઠપકો, પછી તેણે કર્યું એવું કે પરિવારને આવ્યો પસ્તાવાનો વારો

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજ કાલ બાળકોને ઠપકો આપવામાં આવે તો તે જલ્દી ગુસ્સામાં આવીને કોઈપણ ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતા બે દિવસ પહેલા હાજર ન હતા. તેઓ સુરત (Surat) ખાતે ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ કે, તેમનો 12 વર્ષનો પુત્ર ઘરે હાજર નથી અને કોઈને કહ્યા વગર જતો રહ્યો (Missing) છે. જેથી આ પિતાએ પુત્રના મિત્રો અને સબંધીઓના ત્યાં તપાસ કરી પણ તે મળી આવ્યો ન હતો. બાદમાં તેઓ સુરતથી આવી ગયા હતા. બાદમાં તેઓએ તપાસ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસને જાણ કરતા ગુમ થયેલા 12 વર્ષના બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેઓએ બે દિવસ પહેલા બાથરૂમ પાસે તેને સિગારેટ પિતા રંગેહાથ પકડતા તેને ઠપકો આપ્યો હતો. જેથી તે વાતનું માઠું લગાવી તે જતો રહ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે.
શહેરના ઠક્કરનગરમાં રહેતા 35 વર્ષીય યુવાન કેટરિંગના કામમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાનના પત્ની હયાત નથી અને તેઓને સંતાનમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો 12 વર્ષનો છે અને ધોરણ 8માં અભ્યાસ કરે છે અને તેનાથી નાનો દીકરો આઠ વર્ષનો છે જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. ગત 11મી માર્ચના રોજ આ યુવાન ઘરે હાજર ન હતા અને તેઓ સુરત ખાતે કેટરિંગના કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમની બહેનનો સાંજે ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તેમનો 12 વર્ષીય દીકરો ઘરે મળતો નથી અને તે ઘરેથી સાંજના સાત વાગ્યે કોઈને કહ્યા વગર નીકળી ગયો છે તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો નથી.