વડોદરા : ઘરમાં આગ લાગતા છ વર્ષનાં માસૂમ બાળકનું મોત, ભાઇનો આબાદ બચાવ
વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામે એક દુખદ બનાવ બન્યો છે. સોમવારે બપોરે કાચા મકાનમાં આગ (fire) લાગતા મકાનની અંદર રહેલા છ વર્ષના બાળકનું સળગી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ મકાન ખેતમજૂરનું હતું જે આખું બળીને ખાખ થઇ ગયું છે.
મળતી માહિતી પ્રમાણે, વાઘોડિયાના તરસવા ગામે મંદિરવાળા ફળિયામાં રહેતા નિતિનભાઇ પરમાર પત્ની અને બે સંતાનો સાથે રહે છે. નિતિનભાઇ પત્ની સાથે સોમવારે સવારે પત્ની સાથે ખેતમજૂરી કરવા ગયા હતા. તેમના બે પુત્રો ઘરમાં જ હતાં. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ અચાનક નિતિનભાઇના ઘરમાં આગ લાગી હતી. આસપાસના લોકોએ ધુમાડાના ગોટેગોટા જોતા ભયભીત થઇ ગયા હતા અને આગ બુઝાવવા લાગ્યા હતા. આ દરમિયાન નિતિનભાઇનો એક પુત્ર ઘરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક છ વર્ષનો દીકરો ધ્રુમિલ આગની લપેટોમાં ફસાઇ ગયો હતો. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.