ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાણો ભાજપ અને કૉંગ્રેસમાંથી કોણે મારી હતી બાજી

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે, મંગળવારે તા.2જી માર્ચે પરિણામ જાહેર થવાનું છે. શહેરી મતદારો કરતા વધારે ગ્રામિણ મતદારોએ મતદાન (voting) કર્યું હતું. રવિવારે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યના 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે મોડી સાંજ સુધી ખબર પડશે કે ગ્રામિણ મતદારોએ કોને જનાદેશ સોંપ્યો છે.
આ બેઠકો થઇ બિનહરીફ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ છે. 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં તમામ ભાજપને ફાળે આવી છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.
ગત ચૂંટણીમાં શું આવ્યું હતું પરિણામ
2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કૉંગ્રેસને 595 જ્યારે ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કૉંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કૉંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને લીડ મળી હતી. જ્યારે, નગરપાલિકાઓમાં ભાજપે બાજી મારી હતી.