વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટન, India-England વચ્ચે રમાશે ડે-નાઇટ મેચ
અમદાવાદના મોટેરામાં આવેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમનું આજે, 24 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ , કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે, બુધવારે, રાષ્ટ્પતિ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન તથા સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એક્રલેવનું ભૂમિપૂજન પણ કરશે. નોંધનીય છે કે, ગત ફેબુ્રઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સંયુક્ત કાર્યક્રમ પણ મોટેરા સ્ટેડિયમમાં જ થયો હતો. જોકે, હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યારે હવે સત્તાવાર ઉદ્ઘાટન યોજવામાં આવશે.
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી, 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચ પણ રમશે. મોટેરા સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે પણ જાણવામાં આવે છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજારની છે.
ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ XI
રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા.