गुजरात

જામનગર : રોકાણના નામે ઠગાઈ, સામાન્ય માણસોના 10 કરોડ રૂપિયા જેટલી રકમ ‘ચાઉ’ કરી ગઈ ટોળકી

જામનગર: જામનગરમાં ઓમ ટ્રેડિંગના નામે રોકાણની લાલચ આપી રૂપિયા દસ કરોડ જેટલી રકમ ઓળવી ગયાનું પ્રકરણ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જામનગરમાં 35થી વધુ લોકોના નાણા હજમ કરી જનાર બે મહિલા સહિતના સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.જામનગરના ચાર નિવૃત આર્મીમેન સહિતના લોકોએ રોકાણના નામે નફો મેળવવા ની લાલચમાં 10 કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

જામનગરના અંબર સિનેમા નજીક આવેલી એક રોકાણકારની પેઢીના સંચાલકો અને વ્યવસ્થાપક સહિત સાત લોકોએ જામનગરના 35 થી વધુ નાગરિકોના 10 કરોડ થી વધુ રકમના નાણાં રોકાણના બહાને મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 7 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રત્યેક રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ ના બહાને છેલ્લા ત્રણ વર્ષથી પેઢીના સંચાલકો દ્વારા લોકો પાસેથી નાણાં એકઠા કરતા હોવાનું અને છેલ્લા છ મહિનાથી પેઢીને તાળા મારી લાપતા બની ગયાનું સામે આવ્યું છે.

જામનગરમાં અંબર સિનેમા રોડ પર નિયો સ્ક્વેર કોમ્પ્લેક્સના જી 39માં ઓમ ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા, અને તેના પિતા મહેન્દ્રભાઈ ધબ્બા, ઉપરાંત ભાઈ હિરેનભાઈ ઘબ્બા અને મહેન્દ્રની પત્ની આશાબેન સહિતના સાતેય શખ્સોએ રોકાણ માટે ની પેઢી શરૂ કરી હતી અને લોકોને નાણાં રોકાણ કર્યા પછી ઊંચું વળતર આપવાની સ્કીમ મુકી હતી.

ત્રણેક વર્ષ પહેલા રોકણ કરવાની લાલચ આપી જામનગરના લોકોનો સંપર્ક શરૂ કર્યો હતો, જેમાં હસમુખસિંહ જિતુભા પરમાર, તૌસિફ બસીરભાઈ શેખ ને પણ ઓફિસ વર્ક માટે મદદમાં લેવાયા હતા, જ્યારે સંગીતાબેન નામની એક મહિલાને એકાઉન્ટન્ટ તરીકે રાખવામાં આવી હતી. જેમાં આજથી ત્રણ વર્ષ પહેલા જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા રણવીર પ્રતાપસિંહ સુધાકરસિંહ નામના નિવૃત્ત આર્મીમેને રોકાણ શરૂ કર્યું હતું.

Related Articles

Back to top button